બીડ: બીડ જિલ્લાના કૈજ તહેસીલમાં ગર્ભપાત થવાથી સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બાળલગ્નનો મામલો સામે આવ્યો હતો, જેને પગલે પોલીસે સગીરનાં માતા-પિતા, તેના પતિ તેમ જ સાસરિયાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પીડિતાના દસ્તાવેજો પરથી તે સગીર હોવાનું જાણવા મળ્યા બાદ સોલાપુર જિલ્લા હોસ્પિટલ દ્વારા પોલીસને આની જાણ કરવામાં આવી હતી. આથી પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
બીડમાં રહેતી પીડિતાને પેટમાં ભારે દુખાવો થતા અને રક્તસ્રાવ થતો હોવાથી તેને સોલાપુર જિલ્લા હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે પીડિતા ગર્ભવતી હતી અને તેનો ગર્ભપાત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પીડિતા 10મા ધોરણની વિદ્યાર્થિની હતી અને બે વર્ષ અગાઉ તેનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. તે સગીર હોવા છતાં તેનાં માતા-પિતા અને સાસરિયાં લગ્ન માટે તૈયાર થયા હતા. પોલીસે આ પ્રકરણે ચાઇલ્ડ મેરેજ એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)