મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં 27 સપ્ટેમ્બરની મોડીરાત્રે એક યુવક ચોથા માળે ચડી જઈ આત્મહત્યા કરવાની વાત કરતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી યુવકને સમજાવીને સલામત રીતે નીચે ઉતારી લીધો હતો.
મહેસાણામાં રવિવારે રાત્રે હબટાઉનના G બ્લોકના ચોથા માળે ચઢીને એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઈ હતી. એકાદ કલાકના ડ્રામા બાદ આખરે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને યુવકને સલામત બચાવી લેવામાં સફળતા મળી હતી.
મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબટાઉનમાં એક યુવક ચોથા માળે ચડી ગયો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપતો હોવાનું જણાતાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નાગલપુર ચોકીની જનરક્ષક વાનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હેડ કોન્સ્ટેબલ રિંકુબેને પરિસ્થિતિ પારખીને સુઝબુઝ અને ધીરજથી યુવક ઉતાવળમાં કોઈ ખોટું પગલું ન ભરી લે તે માટે તેનાથી થોડે દૂર રહીને તેની સાથે વાતચીત કરી તેને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એકાદ કલાક સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, દરમિયાન ત્યાં પહોંચેલાં યુવકનાં માતાએ સમજાવવા છતાં તે માનતો નહોતો. વાતચીત દરમિયાન યુવકનું ધ્યાન બીજી તરફ જતાં તકનો લાભ લઈને ફાયરમેન વિશાલ પટેલ અને પોલીસે તેને કઠેરા પરથી ઉતારી દીધો હતો. યુવકને બચાવી લેવાતાં હાજર ટોળાએ પણ રાહતનો દમ લીધો હતો. મૂળ મોડાસાના વતની અને હાલ દેદિયાસણ રહેતા જીગર રમણજી ઠાકોર (ઉં.વ.૨૨)ને બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જઈ કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપાયો હતો.
પોલીસને યુવકના આપઘાતની વર્ધી મળી હતી
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની 112 નંબરની પીસીઆર વાનને એક વર્ધી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન બ્લોક નં.-Jના ચોથા માળે આશરે 25 વર્ષનો એક અજાણ્યો યુવક ચડી ગયો છે અને નીચે કૂદીને જીવન ટૂંકાવવાની ધમકી આપી રહ્યો છે.
યુવક રેલિંગ પર બેઠેલો હતો અને નીચે ટોળું હતું
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નાગલપુર પોલીસ ચોકી 112 મોબાઇલના મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન, પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ સહિતના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર યુવક ચોથા માળની જોખમી દીવાલ પર બેઠેલો જોવા મળ્યો હતો અને તેને જોવા માટે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.
મહિલા પોલીસકર્મી કલાક સુધી સમજાવતા રહ્યાં
મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને અત્યંત સુઝબુઝ અને ધીરજ દાખવીને યુવક ગભરાય નહીં તે રીતે તેનાથી થોડે દુર રહીને વાર્તાલાપ શરૂ કર્યો હતો. સતત 1 કલાક સુધી ચાલેલી સમજાવટ દરમિયાન યુવકે પોતાનું નામ જીગર ઠાકોર, મૂળ વતની મોડાસા અને હાલ દેદીયાસણ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. આ વચ્ચે જ યુવકની માતા અને પિતા પણ સ્થળે પહોંચી ગયાં હતાં. માતાના સમજાવવા છતાં યુવક નીચે ઉતરવા તૈયાર નહોતો.
યુવકને લઈ જઈ માતા-પિતાને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યાં
પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી તથા કર્મચારીઓની સમયસૂચકતાના કારણે લાંબા સમય બાદ યુવકને સહીસલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. ત્યારબાદ તેને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી ચા-નાસ્તો કરાવી શાંત પાડવામાં આવ્યો હતો. પોલીસે તેના માતા-પિતાની હાજરીમાં યુવકનું કાઉન્સિલિંગ કરી સહીસલામત રીતે પરિવારને સોંપ્યો હતો.
અંગત કારણોસર તેણે આવું કર્યું હતુંઃ PI
બી ડિવિઝન પી.આઈ. ગઢવીએ જણાવ્યું કે, યુવક માનસિક તણાવમાં હતો. પોતાના અંગત કોઈ કારણોસર તેણે આવું કર્યું હતું. જોકે અમારી પોલીસ ટીમે એક કલાક સુધી તેણે વાતોમાં રાખી ત્યારબાદ જેવો યુવક આખો બંધ કરી ચોથા માળેથી પડવાની તૈયારીમાં હતો, એ દરમિયાન પોલીસ અને ફાયર કર્મીઓએ તેણે પાછળથી પકડી લીધો હતો.