બીડ: ટેમ્પોએ બાઈકને ટક્કર મારતાં 33 વર્ષના મામા અને બે ભાણેજનાં મૃત્યુ થયાં હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શિરુર કાસાર તહેસીલમાં હિવરસિંગા નજીક મંગળવારની રાતે બની હતી. મૃતકોની ઓળખ શિરુર કાસારમાં રહેતા રામ બાજીરાવ શેળકે, બીડમાં રહેતા ભાણેજ ગણેશ રોહિદાસ બજગુડે (21) અને મંગેશ (19) તરીકે થઈ હતી. ગણેશ અને મંગેશ સગા ભાઈ હોવાનું પોલીસનું કહેવું છે.
શેળકેનો એક ભાણેજ તેમને અને ભાઈને લેવા માટે બીડથી બાઈક પર આવ્યો હતો. મંગળવારની રાતે ત્રણેય જણ એક બાઈક પર બીડ જવા નીકળ્યા હતા. ઘટનાસ્થળે સામેથી પુરપાટ વેગે આવેલા ટેમ્પો સાથે બાઈક ટકરાઈ હતી. આ ઘટનામાં ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બીડની ડિસ્ટ્રિક્ટ સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)