મુંબઈઃ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાંકોડેની આત્મહત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે. દેશની આ પ્રતિષ્ઠિત સંસ્થામાં છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજો મામલો છે, જ્યાં એક વિદ્યાર્થીએ જીવનના બદલે મોતને ભેટવાનું પસંદ કર્યું હોય! આરોપો, આંદોલનો અને પોલીસ તપાસ વચ્ચે બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર મનોજ મુંતશિરનું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે એક વીડિયો શેર કર્યો છે અને તેમાં એવા એવા પ્રશ્નો કર્યા છે જેના પર લોકોએ વિચારવાની જરૂર છે.
તાજેતરમાં જ 'મેદાન' ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનારા મનોજ મુંતશિરે આઈઆઈટી બોમ્બે જેવી સંસ્થાઓને કહ્યું કે, 'જો ફેન બદલવાનું સમાધાનનું એકમાત્ર પગલું છે, તો સારું છે, પરંતુ જો આપણે એવું માની લઈએ તો આપણાથી વધારે મૂર્ખ બીજું કોઈ નથી. તેણે આગળ કહ્યું કે, આને ફક્ત આઈઆઈટી બોમ્બેને કેસની જેમ જોવું ખોટું છે, પરંતુ હવે સાવચેતીનો સમય છે. બાળકો પર પડનારા દબાણને સમજો. હોસ્ટેલ રૂમમાંથી સીલિંગ ફેન હટાવીને વોલ માઉન્ટેડ ફેન લગાવી દો. બાળકો જીવ લેવાનું બંધ કરી દેશે. ક્યારેક સમાધાનની શોધમાં આપણે અસલ સમસ્યાને ભૂલી જઈએ છે. આપણે શાહમૃગની જેમ રેતીમાં માથું દબાવી જોખમનો સામનો કરી રહ્યા છીએ.
શું પંખો બદલી દેવાથી ફરક પડશે? મનોજ મુંતશિર
વધુમાં મનોજે કહ્યું, 'એક બાળક આત્મહત્યા કરી લે છે, પોતાનો જીવ ગુમાવી દે છે. માતા-પિતાનું જીવન બરબાદ થઈ જાય છે. બહેનની રાખડીઓનું મહત્વ રહેતું નથી. સમગ્ર પરિવારની ખુશીઓ હમેશા માટે ખતમ થઈ જાય છે, અને આપણે ફક્ત પંખો બદલી દેવાની વાત કરીએ છે શું આનાથી ફર્ક પડશે ? વોલ માઉન્ટેડ ફેન લગાવવાથી કેટલો ફર્ક પડશે, તેની પણ કોઈ ગેરન્ટી નથી.' આ સમસ્યા આપણા વિચારની સમસ્યા છે, આપણે સમસ્યાનું મંથન કર્યા વગર સમાધાનનું અમૃત કાઢવાની કોશિશ કરીએ છીએ. જ્યાં સુધી જડમૂળથી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી આપણા બાળકોના અસમય મૃત્યુનું દુઃખ વેઠવું પડશે’.
મૃત્યુઆંક વિશે વાત કરતા કહ્યું કે, ‘દર વર્ષે સેંકડો કેસો હોય છે જ્યાં બાળકો આત્મહત્યા કરી લે છે. આપણે એ ખબર રાખી પડશે કે તેઓ તે સીમા સુધી કેમ પહોંચી જાય છે, જ્યાંથી એક ડગલું આગળ મૃત્યુ છે. આઈઆઈટીમાં સિલેક્શન ના થયું, બોર્ડ પરીક્ષાનું ખરાબ પરિણામ આવ્યું, જોબ ઇન્ટરવ્યૂ રિજેક્ટ થયું, બાળકોએ દરેક બીમારીનો ઈલાજ શોધી લીધો છે. આ બધામં બાળકોએ રસ્તો શોધ્યો આત્મહત્યાનો ? આવી સ્થિતિ અંગે મનોજ મુંતશિરે અવાજ ઉઠાવ્યો અને ખાસ કરીને માતા-પિતાને અપીલ કરી છે.
ये वीडियो स्किप मत कीजिएगा, विनती है 🙏🏻#IITMumbai #NeverQuit #Education #ManojMuntashir #SaveYourChildren pic.twitter.com/XZ8uemmTke
— Manoj Muntashir Shukla (@manojmuntashir) September 26, 2026
માતા-પિતાની આશાઓ બાળકો માટે દબાણરૂપ છે?
ગીતકારે બાળકોની વર્તમાન માનસિક સ્થિતિ અંગે વાત કરી છે. કહ્યું કે, અત્યારે મોટા ભાગે બાળકો 'મમ્મી-પપ્પા, હું તમારી આશાઓ પુરી કરી ન શક્યો. માફ કરજો’ તેવું સુસાઈડ નોટ મળી આવે છે. તો પ્રશ્ન એ છે કે, શું બાળકો માટે તેમના માતા-પિતાની આશા બોજરૂપ છે? આ અંગે ગીતકારે માતા-પિતાને ખાસ અપીલ કરી કે, મોટાભાગના બાળકો એવું માને છે કે પોતાના માતા-પિતાની આશાઓ તેમને પુરી કરવાની છે. માતા-પિતાએ પોતાની આશાઓનું ભારણ પોતાના બાળકો પર ન નાખવું જોઈએ. હું તેમના અનુભવનું સમ્માન કરતા થોડો અલગ મત ધરાવું છું. માતા-પિતાએ બાળકોને સપના દેખાડવાના છે, પરંતુ તેની સાથે બાળકોને માનસિક રીતે મજબૂત કરવા અંગે પણ મનોજ મુંતશિરે ભાર મૂક્યો છે.
વીડિયોના અંતમાં મનોજ મુંતશિરે કહ્યું કે, માર્કશીટ માત્ર એક ટુકડો છે, તમારા માટે બાળકો જ મહત્વના હોવા જોઈએ. તેમને ખાસ ટકોર કરી કે, ‘જો બાળકના મનમાં એવી વાત બેસી જાય કે ઘરે પાછા ફરતાં તેને ઘર, પ્રેમ અને સન્માન નહીં મળે, પરંતુ ઘૂરતી નજરો અને સવાલોથી ભરેલી આંખો મળશે, તો તે ક્યારેય ઘરના દરવાજા પર ટકોર નહીં કરે’ એટલે હવે બાળકોને સપના સાથે સમજણ અને પ્રેમ સાથે હુંફ આવાની વાત મનોજ મુંતશિરે કરી છે.