સાથી પક્ષ અને વિપક્ષના ફેવરિટ ઉમેદવાર ઉદ્ધવ ઠાકરેને ઘરમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે: આદિત્ય ઠાકરે પોતાના વિશ્ર્વાસુને આપવા માગે છે બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની આગામી મહિને થનારી ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી માત્ર એક જ બેઠક જીતી શકે એવી શક્યતા છે. ત્યારે આ બેઠક ઠાકરે પિતા-પુત્ર વચ્ચે સંઘર્ષનું કારણ બની રહે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. સાથી પક્ષ અને વિપક્ષોના ફેવરિટ ઉમેદવાર ઉદ્ધવ ઠાકરેને પોતાના ઘરમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ચિત્ર ઊભું થયું છે.
વિધાન પરિષદની એક બેઠક માટે કેટલાક નેતાઓએ માતોશ્રી પર લોબિંગ શરૂ કરી દીધું છે. ઉદ્ધવ સેનામાં અત્યારે અંબાદાસ દાનવે, સુષ્મા અંધારે, વૈભવ નાઈક અને સુરજ ચવ્હાણના નામ અત્યારે ઉમેદવારીની સ્પર્ધામાં જોવા મળી રહ્યા છે. જ્યારે એક નેતાએ રશ્મિ ઠાકરેને વિધાન પરિષદ માટે તૈયાર કર્યા હોવાનું માનવામાં આવે છે. જો ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદમાં નહીં જાય, તો શું મહા વિકાસ આઘાડીમાં સત્તાના સમીકરણો બદલાશે? એવી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે એવું લાગે છે કે કેટલાક નેતાઓએ આ બેઠક મેળવવા માટે માતોશ્રી પર પોતાનું વજન વાપરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.
વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાના નેતા સુષ્મા અંધારેનું નામ મોખરે માનવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે માતોશ્રી પર લોબિંગ શરૂ કરી દીધું છે. સૂત્રોએ માહિતી આપી છે કે સુષ્મા અંધારેએ આ બેઠક માટે રશ્મિ ઠાકરેનો સંપર્ક કર્યો છે. અન્ય ઉમેદવારો પણ સક્રિય થયા છે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે અંધારેએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વૈભવ નાઈક અને ભૂતપૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવે પણ વિધાન પરિષદમાં જવા માટે રસ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓએ સાંસદ સંજય રાઉતના માધ્યમથી પોતાનો કેસ રજૂ કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રસ અને એનસીપી (એસપી)એ સ્પષ્ટ કરી દીધું છે કે વિધાન પરિષદની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે ફરીથી લડવાના હોય તો તેમની સામે ઉમેદવાર આપવામાં આવશે નહીં, પરંતુ અન્ય કોઈપણ ઉમેદવાર હશે તો કૉંગ્રેસ તેની સામે ઉમેદવાર આપશે.
એવું સંભળાઈ રહ્યું છે કે ભાજપ વતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાવતી એકનાથ શિંદે પણ ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદમાં જાય તે માટે આગ્રહી છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરનારા અને પોતાને પાર્ટીના ભાવિ અધ્યક્ષ તરીકે રજૂ કરી રહેલા આદિત્ય ઠાકરેએ આ બેઠક પરથી પોતાના નજીકના સાથી અને ખિચડી કૌભાંડમાં જેલમાં જઈ આવેલા સુરજ ચવ્હાણને ઉમેદવારી આપવા માટે દબાણ કરી રહ્યા છે.
જો સુરજ ચવ્હાણને ઉમેદવારી ન આપી શકાય તો અંબાદાસ દાનવેને ઉમેદવારી આપવી પણ ઉદ્ધવ ઠાકરેએ ફરી વિધાન પરિષદની ચૂંટણી ન લડવી એવું આદિત્ય ઠાકરે કહી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે પણ આદિત્ય ઠાકરેએ પ્રિયંકા ચતુર્વેદીને ફરી ઉમેદવારી આપવા માટે ખાસ્સા ધમપછાડા કર્યા હતા, પરંતુ ત્યારે શરદ પવાર સામે તેની જીદ ચાલી નહોતી, પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્રની જીદ સામે ઝુકે છે કે નહીં તે જોવાનું રસપ્રદ બની રહેશે.
વિધાન પરિષદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 12 મેના રોજ મતદાન થશે. મતદાન સવારે 9.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી ચાલશે. તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના સંખ્યાબળ પ્રમાણે ભાજપને છ, શિવસેનાને બે, એનસીપીને એક અને મહાવિકાસ આઘાડીને એક બેઠક પર વિજય મળશે. જો ઉદ્ધવ ઠાકરે ચૂંટણી નહીં લડે તો મહાયુતિ મોટી રમત રમશે તેવી પણ આશંકા છે.