નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડ હાઇવે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તેમજ આઠ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ટ્રક અને વાન વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી અમુક ઘાયલોની હાલત ગંભીર છે.
ટ્રક સામેથી આવતી વાન સાથે અથડાઇ હતી
આ અંગે મળતી માહિતી મુજબ આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગ્યે નાંદેડ-ભોકર હાઈવે પર વાકડ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં થયો હતો. જેમાં ભોકરથી નાંદેડ જઈ રહેલો ટ્રક સામેથી આવતી વાન સાથે અથડાઇ હતી.
વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો
આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ટ્રકનો આગળનો ભાગ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના કારણે ચાલક કેબિનની અંદર ફસાઈ ગયો હતો. તેમજ લાંબા પ્રયાસો બાદ પોલીસ અને બચાવ ટીમોએ તેને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
અકસ્માત સમયે વાનમાં 12 મુસાફરો હતા
આ અકસ્માત સમયે વાનમાં 12 મુસાફરો હતા. જોકે, અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ બચાવ કામગીરીમાં જોડાયા હતા. જેની બાદ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.