Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિરમાં લાગુ થશે ડ્રેસકોડ! નવા વર્ષથી શોર્ટ્સ અને વેસ્ટર્ન આઉટફિટ પર પ્રતિબંધ...

2026-09-20 09:31:18
Author: Darshana Visaria
મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિરમાં લાગુ થશે ડ્રેસકોડ! નવા વર્ષથી શોર્ટ્સ અને વેસ્ટર્ન આઉટફિટ પર પ્રતિબંધ...

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં સમુદ્રકિનારે આવેલા સુપ્રસિદ્ધ અને લાખો ભાવિકોની આસ્થાના કેન્દ્ર સમાન શ્રી ક્ષેત્ર ગણપતિપુળે ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પરિસર અને ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી આગામી પહેલી જાન્યુઆરીથી દર્શનાર્થીઓ માટે કડક ડ્રેસ કોડ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે પછી ગણપતિપુળે મંદિરમાં ટૂંકા, અંગપ્રદર્શન કરતા કે પશ્ચિમી ઢબના અશોભનીય કપડાં પહેરીને આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ડ્રેસ કોડ લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ:

ગણપતિપુળે મંદિર સમુદ્રકિનારે આવેલું હોવાથી ઘણા સહેલાણીઓ અને યુવાનો બીચ પર પહેરવાના કપડાં પહેરીને સીધા જ મંદિર પરિસરમાં દર્શન માટે પહોંચી જતા હતા. ધાર્મિક સ્થળની ગરિમા, સાત્વિક વાતાવરણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જળવાઈ રહે તે માટે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ભારતીય પરંપરાગત અને શોભનીય વસ્ત્રોમાં જ પ્રવેશ આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

પહેલી જાન્યુઆરીથી કયા નિયમોનું પાલન કરવું પડશે?:

શોર્ટ્સ, હાફ પેન્ટ, ટૂંકા વસ્ત્રો કે ઉત્તેજક કપડાં પહેરીને આવતા પુરુષો અને મહિલાઓને પ્રવેશદ્વાર પર જ અટકાવી દેવામાં આવશે. જો કોઈ પ્રવાસી અજાણતા આવા વસ્ત્રોમાં પહોંચી જશે, તો તેમના માટે પરંપરાગત વસ્ત્રો (જેમ કે ધોતી, ઉપવસ્ત્ર કે દુપટ્ટો) ધારણ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવા પર વિચારણા ચાલી રહી છે. 

નવા વર્ષની શરૂઆત એટલે કે પહેલી જાન્યુઆરીથી આ નિયમ કડક રીતે અમલી બને તે પહેલાં મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ માહિતી આપતા બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે, જેથી રાજ્ય અને દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ અગાઉથી માહિતગાર થઈ શકે.