Tue Oct 06 2026

Logo

તુકારામ મુંઢેની મોટી કાર્યવાહીઃ નિયમોના ભંગ બદલ 10 સંસ્થાના લાઈસન્સ સસ્પેન્ડ

2026-09-10 20:52:07
Author: Mumbai Samachar Team
તુકારામ મુંઢેની મોટી કાર્યવાહીઃ નિયમોના ભંગ બદલ 10 સંસ્થાના લાઈસન્સ સસ્પેન્ડ

મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના કથિત ભંગ બદલ રાજ્યની 10 ખાદ્ય સંસ્થાના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે. એફડીએ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ મુંબઈની છ, કોંકણ વિભાગની એક, પુણે વિભાગની બે અને છત્રપતિ સંભાજીનગર વિભાગની એક સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એફડીએના થાણે વિભાગના અધિકારીઓએ 9 સપ્ટેમ્બરના રોજ શિળ્-દિવા રોડ પર આવેલા ખાડી ગામ વિસ્તારમાં ફરસાણ, વેફર્સ, ચિવડા, નમકીન અને અન્ય ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન તથા વેચાણ કરતી 11 સંસ્થાઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભેળસેળ, હલકી ગુણવત્તા તેમજ અસ્વચ્છ અને અસુરક્ષિત પરિસ્થિતિમાં ઉત્પાદન થતું હોવાની શંકાના આધારે કુલ 28,955 કિલોગ્રામ અને 56 લિટર ખાદ્ય પદાર્થો, કાચો માલ અને ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત રૂ. 20,48,801.50 હોવાની માહિતી એફડીએએ આપી હતી. 

જપ્ત કરાયેલઈ સામગ્રીમાં બટાકાની વેફર્સ, ફરાળી ચિવડો, મસાલેદાર વેફર્સ, કાળા મરીની વેફર્સ, મિક્સ ફરસાણ, સેવ, ભાખરવડી, ડાયેટ ચેવડો, સ્નેક સ્ટિક્સ, કેળાની ચિપ્સ, મેંદો, બેસન, વટાણાનો લોટ, પામોલિન તેલ અને વપરાયેલું કુકિંગ ઓઇલનો સમાવેશ થાય છે. એફડીએના અધિકારીઓએ  જણાવ્યું હતું કે તપાસ કરાયેલી તમામ 11 સંસ્થાઓને તેમના લાઈસન્સ રદ્દ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને કામગીરી બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.

મુંબઈમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન પણ અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. અધિકારીઓને યોગ્ય પેસ્ટ કંટ્રોલનો અભાવ, નબળી વેન્ટિલેશન વ્યવસ્થા, કચરાનો અયોગ્ય નિકાલ, ખુલ્લામાં ખાદ્ય પદાર્થો તૈયાર કરવાની પ્રક્રિયા, એક ખાદ્ય પદાર્થમાંથી બીજા ખાદ્ય પદાર્થમાં દૂષણ ફેલાવાનું જોખમ અને યોગ્ય સંગ્રહ સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો.

એફડીએએ મુલુંડ પૂર્વમાં આવેલી એકવીરા ઝુણકા ભાકર કેન્દ્ર અને મનીષા સ્વીટ્સ સહિતની કેટલીક સંસ્થાઓના ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે. મેસર્સ નવાબ સીખ કોર્નરનું લાઈસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સંગ્રહિત રવામાં કીડીઓ જોવા મળી હતી. 
ઉપરાંત, કાચું માંસ ખુલ્લામાં રાખવામાં આવ્યું હતું અને કાચા, રાંધેલા તથા ખાવા માટે તૈયાર ખાદ્ય પદાર્થોનું યોગ્ય રીતે વિભાજન કરવામાં આવ્યું ન હતું. રેફ્રિજરેશન અને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેની જગ્યાઓ પણ અસ્વચ્છ હોવાનું તેમજ સાધનોની સફાઈ અને સેનિટાઈઝેશન પૂરતું ન હોવાનું સામે આવ્યું હતું.

મેસર્સ હોટેલ આદિનાથનું લાઈસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એફડીએના અધિકારીઓએ અનુસાર, અહીં ખાદ્ય પદાર્થોના યોગ્ય સંગ્રહ અને તાપમાન નિયંત્રણનો અભાવ, અસ્વચ્છ સપાટીઓ, અપૂરતી વેન્ટિલેશન અને પેસ્ટથી બચાવ માટેની અપૂરતી વ્યવસ્થા સહિત સ્વચ્છતા, આરોગ્ય અને ખાદ્ય પદાર્થોના સંચાલન સંબંધિત અનેક ગંભીર નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

પુણે વિભાગમાં પણ ત્રણ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાતારા જિલ્લાના હોટેલ શાહી, લોનાવલાની સેબર રેસ્ટોરન્ટ અને પુણેના કોરેગાંવ પાર્ક સ્થિત સૈરાટ બિરયાનીના લાઈસન્સને લાઈસન્સની શરતો અને શેડ્યૂલ 4ની જોગવાઈઓના ભંગ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

છત્રપતિ સંભાજીનગરમાં શેલ્કે મામા ઢાબા રેસ્ટોરન્ટની પુનઃતપાસ દરમિયાન અગાઉ આપવામાં આવેલી ઈમ્પ્રૂવમેન્ટ નોટિસમાં દર્શાવવામાં આવેલી ખામીઓ હજુ સુધી દૂર કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. 
આ મામલે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એફડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 તેમજ લાગુ નિયમો અને નિયમાવલીઓ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમિયાન, એફડીએએ તહેવારો, ધાર્મિક કાર્યક્રમો, મેળાઓ અને અન્ય સામૂહિક ખાદ્ય વિતરણના કાર્યક્રમોના આયોજકોને કાર્યક્રમ યોજાય તેના ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ નિયત આગોતરી જાણકારી રજૂ કરવાની અપીલ કરી છે.એફડીએએ જણાવ્યું હતું કે પ્રાપ્ત થતી માહિતીના આધારે જોખમ આધારિત તપાસ અને ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવશે.