Tue Oct 06 2026

Logo

'મહાભારત' ફેમ એક્ટર અને WWE રેસલર સૌરવ ગુર્જરની ધરપકડ, મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

2026-09-20 20:43:25
Author: Vimal Prajapati
'મહાભારત' ફેમ એક્ટર અને WWE રેસલર સૌરવ ગુર્જરની ધરપકડ, મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

મુંબઈઃ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવીને જાણીતા થયેલા એક્ટર અને પૂર્વ WWE રેસલર સૌરવ ગુર્જર (Saurav Gurjar) ની મુશ્કેલીઓ વધી છે. એક મહિલા દ્વારા શારીરિક શોષણની ગંભીર ફરિયાદના આધારે પોલીસે સૌરવ ગુર્જરની મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એરપોર્ટ પરથી ધરપકડ કર્યાં ત્યારબાદ તેમને હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મેજિસ્ટ્રેટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

કઈ રીતે થઈ હતી મહિલા અને એક્ટરની ઓળખાણ?

કેસની વિગતે વાત કરવામાં આવે તો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સૌરવ ગુર્જર સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ અને ગાઢ સંબંધો બંધાયા હતા. 25 ડિસેમ્બર 2021ના રોજ બંનેની પ્રથમ રૂબરૂ મુલાકાત થઈ હતી, જ્યાં એક્ટરે લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો. જો કે, બાદમાં લગ્નની વાત કરતા તે ગાયબ થઈ ગયો હતો તેવું મહિલાએ ફરિયાદમાં લખાવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

લગ્નની લાલચ આપી અમેરિકાથી નોકરી છોડાવી હોવાવો આક્ષેપ

પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, સૌરવના કહેવાથી જ તેઓ અમેરિકાથી પોતાની સારી નોકરી છોડીને ભારત પાછા આવ્યા હતા. એક્ટરે સાથે મળીને નવો બિઝનેસ શરૂ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ જ્યારે પણ મહિલા લગ્ન અંગે વાત કરતી, ત્યારે સૌરવ તેમનો ફોન નંબર બ્લોક કરી દેતો અને સંપર્ક તોડી નાખતો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધી સૌરવ ગુર્જર હૈદરાબાદ ખાતે મહિલા સાથે રહ્યા હતા, પરંતુ એક દિવસ તેઓ અચાનક કોઈ પણ કહ્યા વગર ગાયબ થઈ ગયા હતા.

હૈદરાબાદ ગાચીબોવલી પોલીસે કાર્યવાહી શરૂ કરી

મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે હૈદરાબાદની ગાચીબોવલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. એક્ટર દેશ છોડીને ભાગી ન જાય તે માટે વોચ રાખવામાં આવી રહી હતી અને આખરે મુંબઈ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે અને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.