Tue Oct 06 2026

Logo

LCBનું 'ઓપરેશન ખોજ': ખેડૂતનો વેશ ધારણ કરી 200 મીટર પેટે સરકી પોલીસે 46 ગુનામાં વોન્ટેડ બૂટલેગરને ઊંઘતો ઝડપ્યો

2026-09-29 11:24:00
Author: Mumbai Samachar Team
LCBનું 'ઓપરેશન ખોજ': ખેડૂતનો વેશ ધારણ કરી 200 મીટર પેટે સરકી પોલીસે 46 ગુનામાં વોન્ટેડ બૂટલેગરને ઊંઘતો ઝડપ્યો

ભુજઃ પશ્ચિમ કચ્છના અબડાસાથી લઈને પૂર્વ  કચ્છના અંજાર સુધી વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને છેલ્લાં ૬ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા કુખ્યાત બૂટલેગર ચનુભા ઉર્ફે રાસિયો તગજી સોઢાને પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ ૧૫ દિવસ લાંબા દિલધડક ‘ઓપરેશન ખોજ’ અંતર્ગત ઝડપી પાડ્યો હતો.

ખેડૂત અને માલધારીનો વેશ ધારણ કરી વોચ ગોઠવી

સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ. એમ. મકવાણાની ટીમે આ ગુનેગારને પકડવા વ્યૂહરચના ઘડી હતી. ભૂતકાળમાં પોલીસ પર હિંસક હુમલો કરી નજર સામેથી ફરાર થઈ જવાની ટેવ ધરાવતો રાસિયો ગામના સીમાડે ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં છુપાતો હતો. કોઈને શંકા ન જાય તે માટે એલસીબીના જવાનોએ ખેડૂત અને માલધારીનો વેશ ધારણ કરી ખાનાય ગામ અને સીમની કોતરોમાં સતત દિવસ-રાત વોચ ગોઠવી હતી.

૨૦૦ મીટર સુધી સરકીને પહોંચી, ઊંઘતી હાલતમાં જ દબોચ્યો

ઓપરેશનના ૧૫મા દિવસે બાતમી મળી હતી કે, રાસિયો કોતરોમાંથી નીકળી સીમ વિસ્તાર તરફ ગયો છે. ત્યારબાદ એક નિર્જન સ્થળે તે આશરો લઈને સૂતો હોવાની પાકી માહિતી મળતાં જ એલસીબીની ટીમ ત્રાટકી હતી. જરા પણ અવાજ થાય તો આરોપી ભાગી છૂટે તેમ હોવાથી, એલસીબી સ્ટાફના વીરેન્દ્રસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા અને શ્યામ ગઢવીએ ઝાડી-ઝાંખરાંની ઓથ લઈને જમીન પર સાપની જેમ ૨૦૦ મીટર સુધી સરકીને પહોંચી, ઊંઘતી હાલતમાં જ તેને દબોચી લીધો હતો.

 ૪૬ ગુના નોંધાયેલા છે

પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી ચનુભા સોઢા વિરુદ્ધ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન અંજાર, ભચાઉ, દયાપર, નલિયા, નખત્રાણા, મુંદરા, માનકૂવા, ભુજ ‘એ’, પદ્ધર અને પ્રાગપર પોલીસ મથકોમાં પ્રોહિબિશન હેઠળ કુલ ૪૬ ગુના નોંધાયેલા છે. જે પૈકી વિવિધ પોલીસ મથકના ૯ ગુનામાં તે છેલ્લાં ૬ વર્ષથી વોન્ટેડ હતો. અગાઉ એપ્રિલ ૨૦૧૯માં તેને પાસા હેઠળ જેલહવાલે કરાયો હતો. ભૂતકાળમાં ખાનાયના જાલુભા મંગળસિંહ સોઢા અને ત્રગડીના યુવરાજસિંહ જાડેજા સાથે પાર્ટનરશિપમાં મંગાવાયેલા દારૂના કન્સાઇનમેન્ટમાં પણ તેની સંડોવણી ખૂલી હતી.

(ઉત્સવ વૈદ્ય)