Thu Oct 08 2026

Logo

ગાંધીધામમાં મહિલાની હત્યા બાદ દુષ્કર્મ આચરવાનો ચકચારી કેસ ઉકેલાયો

2026-09-22 15:26:13
Author: Chandrakant Kanoja
ગાંધીધામમાં મહિલાની હત્યા બાદ દુષ્કર્મ આચરવાનો ચકચારી કેસ ઉકેલાયો

ગાંધીધામ: કચ્છના ગાંધીધામ શહેરના મચ્છુનગર નજીક રેલવે ફાટક પાસે આવેલી બાવળની ઝાડીઓમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલી અજાણી મહિલાની લાશના અરેરાટીભર્યા કેસનો પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે. 

મહિલાનો  મૃતદેહ મળી આવ્યો હતો 

મહિલાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનારા મૂળ ઓરિસ્સાના વિકૃત માનસિકતા ધરાવતા નરાધમને પોલીસે દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મચ્છુનગર રેલવે ફાટક નજીક ઝાડીઓમાંથી મહિલાનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળતાં સમગ્ર સંકુલમાં ભારે ચકચાર અને ફફડાટ વ્યાપ્યો હતો.

સ્પેશિયલ ટીમો કામે લગાડવામાં આવી હતી

આ બનાવની સંવેદનશીલતા અને ગંભીરતાને પારખીને પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે હત્યા અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા વિવિધ સ્પેશિયલ ટીમો કામે લગાડવામાં આવી હતી.

આરોપીના ચંપલ અને એક રૂમાલ મળી આવ્યા

આ હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ક્રાઈમ સીન એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સેલની મદદ લીધી હતી. ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કરતાં પોલીસને સ્થળ પરથી આરોપીના ચંપલ અને એક રૂમાલ મળી આવ્યા હતા.

જેમાં પોલીસે આ પુરાવાઓના આધારે ઘટનાસ્થળ તરફ આવતા-જતા માર્ગોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ઘટનાના આશરે એક કલાક પહેલાં એક શંકાસ્પદ શખ્સ માથા પર એ જ રૂમાલ બાંધીને રોડ પરથી પસાર થતો કેમેરામાં કેદ થયો હતો.


સીસીટીવી ફૂટેજના આધારે વર્ણન મેળવી પોલીસે ઇન્દિરાનગર રેલવે ટ્રેક નજીક કોર્ડન કરી શંકાસ્પદ શખ્સ પ્રેમસિંઘ પુરીબાગ (મૂળ રહે. ઓરિસ્સા)ને ઝડપી લીધો હતો. પોલીસની આગવી ઢબની કડક પૂછપરછ સામે આરોપી વધુ સમય ટકી શક્યો નહોતો અને તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

મહિલાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરી 

આરોપીએ કબૂલ્યું હતું કે, બનાવના દિવસે ભોગ બનનાર મહિલા ટિફિન લઈને બાવળની ઝાડીઓવાળા નિર્જન રસ્તેથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે મહિલાને એકલવાયી જોઈ બળજબરીપૂર્વક પકડી લીધી હતી. મહિલાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

મૃતદેહ સાથે દુષ્કર્મ આચર્યું હતું

ત્યારબાદ તેણે નિર્વસ્ત્ર કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચર્યું હતું અને લાશને ઝાડીઓમાં ફેંકી નાસી છૂટ્યો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કડક કાનૂની સકંજો કસવા તજવીજ આદરી છે.

(ઉત્સવ વૈધ)