Tue Oct 06 2026

Logo

કેરળમાં અચાનક આવેલા પૂરમાં 5 લોકો તણાયા, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઇડુક્કી-કોટ્ટાયમમાં એલર્ટ

2026-09-21 07:58:00
Author: Vimal Prajapati
કેરળમાં અચાનક આવેલા પૂરમાં 5 લોકો તણાયા, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઇડુક્કી-કોટ્ટાયમમાં એલર્ટ

પૂક્કોટટુમ્પદમઃ કેરલમાં કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. પૂક્કોટટુમ્પદમમાં કોટ્ટપ્પુઝા નદીમાં  અચાનક આવેલા પૂરના કારણે પાંચ લોકોનું મોત થયું છે, જ્યારે બે લોકો હજી પણ લાપતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન સાથે પૂર આવ્યું હોવાના અહેવાલો મળ્યાં છે. આ કહેરમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય પ્રધાન વીડી સતીશ દ્વારા દર કલાકે સમીક્ષા રિપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. 

 ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લામાં એસએમએસ એલર્ટ જાહેર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સીએમઓ દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે મુખ્ય પ્રધાનના નિર્દેશ પર સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લામાં હવામાનની સ્થિતિ જોતા એસએમએસ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જિલ્લા કલેક્ટરોને પણ આ પરિસ્થિતિમાં એલર્ટ રહેલા અને જરૂરી કામગીરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. 

અચાનક પૂરમાં પાંચ લોકો તણાઈ ગયાં

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મલપ્પુરમ જિલ્લાના નીલાંબુર-અમરામ્બલમ ક્ષેત્રમાં કોટ્ટપુઝા નદીમાં આવેલા અચાનક પૂરમાં પાંચ લોકો તણાઈ ગયાં હતાં. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે વંડૂરથી આવેલા લોકો આ નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યાં હતાં. આ દરમિયાન અચાનક પાણીનું સ્તર વધી જતા આ લોકો નદીમાં તણાઈ ગયાં હતાં. જો કે, આમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. 

ભૂસ્ખલનની ઘટનામાં તમિલનાડુની મહિલાનું મોત

વધારે વિગતે વાત કરીએ તો, સુરક્ષાદળો દ્વારા બે લોકોના મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે બે લોકો હજી પણ લાપતા છે. આ સાથે કોટ્ટાયમ જિલ્લામાં બેલાથુસ્સેરી પાસે ભૂસ્ખલનની ઘટનામાં તમિલનાડુની એક મહિલાનું મોત થયું છે. મૃતકની ઓળક ચેન્નઈના જવાહર નગર નિવાસી 35 વર્ષીય સંગીતા અરૂલ લાલ રૂપે થઈ છે. આ મહિલા પોતાની મિત્ર સાથે વાગામોનથી આવી રહી હતી, ત્યા ભૂસ્ખલન થયું અને તેનો જીવ ગયો હતો. 

 

 

ભૂસ્ખલનમાં એક મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

ઈડુક્કી જિલ્લાના કોટ્ટાકામ્બૂરમાં રવિવારે બપોરે, વરસાદથી બચવા માટે એક શેડમાં આશરો લઈ રહેલા ત્રણ લોકો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હતા. બપોરે લગભગ ૩:૩૦ વાગ્યે, ટેકરી પરથી માટીનો મોટો જથ્થો શેડ પર ધસી પડ્યો હતો, જેના કારણે ત્રણેય વ્યક્તિઓ તેની નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેરળમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં એક મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.