ટેલિવિઝનના લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 18' (KBC 18)ના મંચ પર તાજેતરમાં એક એવી દર્દનાક અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી, જેણે હોસ્ટ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત સેટ પર હાજર તમામ દર્શકોની આંખો ભીની કરી દીધી હતી. આવો જોઈએ શું છે આ આખી ઘટના...
હોટ સીટ પર પહોંચેલી છત્તીસગઢના બિલાસપુરની સ્પર્ધક કપિલા તનેજાએ પોતાની સાથે થયેલી ભયાનક ઘરેલું હિંસા અને સંઘર્ષની આપવીતી વર્ણવી હતી. દહેજ ભૂખ્યા સાસરિયાઓએ કરેલા અત્યાચાર અને છેલ્લા 24 વર્ષથી પોતાની વ્હાલસોયી દીકરીથી અલગ રહેવાની પીડા વ્યક્ત કરતાં આખો માહોલ ગમગીન બની ગયો હતો.
કપિલાએ જણાવ્યું કે તેમણે પ્રેમલગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય ચાલતું હતું કે પરંતુ સાસુ ઘરમાં આવતાની સાથે જ દહેજની માગણીઓને લઈને અસહ્ય ત્રાસ શરૂ થયો હતો. આખરે સાસરિયાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને તેમના પર કેરોસીન રેડીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
શિયાળાની ઋતુ હોવાથી સળગતી સાડીનો છેડો અને સ્વેટર શરીર સાથે ચોંટી ગયા હતા. અત્યંત દર્દનાક સ્થિતિમાં તેમણે જેમ તેમ કરીને પાણીની ટાંકીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બિગ બી ખુદ પણ કપિલાની આ વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભાવુક થઈને કહ્યું હતું કે, આ ઘટના સામે 'અન્યાય થયો છે' તે શબ્દ પણ ઘણો નાનો પડે. ઈશ્વરને બસ એ જ પ્રાર્થના છે કે કોઈ પણ સ્ત્રી સામે ક્યારેય આવી કઠોર પરિસ્થિતિ ઊભી ન થાય.
હોસ્પિટલમાં છેલ્લીવાર પોતાની બાળકીને જોયા બાદ પતિ અને સાસરિયાઓએ કપિલાને દીકરી સાથે ક્યારેય મળવા દીધા નહોતા. છેલ્લાં 24 વર્ષથી તેમણે પોતાની દીકરીનો ચહેરો જોયો નથી કે તેનો અવાજ પણ સાંભળ્યો નથી.
કપિલાએ અમિતાભ બચ્ચનને તેમની દીકરીને આશીર્વાદ આપવા વિનંતી કરી ત્યારે મહાનાયકે ભાવુક થઈને કેમેરા સમક્ષ દીકરીને સંદેશ આપ્યો હતો કે, હું આશીર્વાદ આપવાની સ્થિતિમાં નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે પ્લીઝ એકલા ના રહો, તમારી માતા જીવતી છે અને તમારી સામે અહીં જ છે. એક સંતાન માટે સૌથી કિંમતી વ્યક્તિ તેની માતા હોય છે. એકવાર ફક્ત 'માતા' કહીને તો જુઓ, તમારી મા તમારી પાસે દોડીને પહોંચી જશે.
ક્વિઝ ગેમમાં જીત્યા રૂપિયા 7.5 લાખ
કપિલા તનેજાએ પોતાના જ્ઞાનના જોરે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તેમણે 'સુપર સંદૂક' માં જીતેલી રકમને લાઈફલાઈનમાં બદલવાને બદલે સુરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો હતો. આખરે 12મા પ્રશ્ન પર જોખમ લીધા વિના ક્વિટ કરીને તેમણે રૂપિયા 7.5 લાખની ઈનામી રકમ અને રૂપિયા 90 હજારનું બોનસ પોતાની સાથે જીતી લીધું હતું.