અમદાવાદ: મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થતા લોકપ્રિય ટોક શોના 200થી વધુ એપિસોડ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ સત્ર યોજાયું હતું, જેમાં રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ દર્શકો તરફથી આવતી તીખી અને સીધી કોમેન્ટ્સના જવાબો આપ્યા હતા. મુંબઈ સમાચારના એન્કર જીગર પંડ્યા સાથેની ચર્ચામાં તેમણે પત્રકારત્વ ધર્મ, સૌરાષ્ટ્રનું રાજકારણ, જયેશ રાદડિયા સહિત પોતાના પર લાગતા પક્ષપાતના આક્ષેપો અંગે વિસ્તૃત ખુલાસા કર્યા હતા.
આટલું જ્ઞાન ક્યાંથી લાવો છો?
એક દર્શકના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતાં જગદીશ મહેતાએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ જ્ઞાની નથી, પરંતુ પત્રકારત્વ તેમનો વ્યવસાય છે. કોઈપણ ડિજિટલ મંચ કે ટીવી ડિબેટમાં બેસતા પહેલાં સંબંધિત વિષયનું ઊંડાણપૂર્વક હોમવર્ક કરવું, નોટ્સ બનાવવી અને વાસ્તવિકતાની નજીક રહેવું તેમની ફરજનો ભાગ છે . તેમણે ઉમેર્યું કે તેઓ માહિતીનું સંકલન અને વિશ્લેષણ કરી તેને દર્શકો સમક્ષ સરળ શૈલીમાં મૂકે છે.
ભાજપ અને સૌરાષ્ટ્રના નેતૃત્વની રાજનીતિ: રાદડિયા ફેક્ટર
સૌરાષ્ટ્રના નેતાઓને હાંસિયામાં ધકેલવાના ભાજપના કથિત પ્રયાસો વિશે તેમણે વિશ્લેષણ આપતાં કહ્યું કે રાજકારણમાં સામેવાળો નેતા બળુકો સાબિત થાય ત્યારે તેને "પતાવવાને બદલે પટાવી લેવાની" નીતિ અખત્યાર કરાય છે. ઇફકોની ચૂંટણીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે સી.આર. પાટીલે મેન્ડેટ લાવ્યા છતાં જયેશ રાદડિયા મજબૂત બળ સાબિત થયા હતા. જેથી ભાજપે તેમની તાકાત સ્વીકારી સંબંધો જાળવી રાખ્યા.
ભાજપ તરફી હોવાના આક્ષેપ પર જગદીશ મહેતાએ શું કરી સ્પષ્ટતા
જગદીશભાઈ હંમેશાં ભાજપના વખાણ કરે છે તેવી એક દર્શકની ટિપ્પણી પર તેમણે જવાબ આપ્યો કે સત્ય કડવું હોઈ શકે છે. જો સંગઠનની બાબતમાં ભાજપ મજબૂત હોય કે ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોય, તો તે વાસ્તવિકતા રજૂ કરવી પક્ષપાત નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈની ખુશામત કરવા માટે વિશ્લેષણ કરતા નથી.
માહિતીના સ્ત્રોત અને રાજકીય અનુમાનો
અંદરની વાતો જાણવા અંગેના પ્રશ્ન પર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પોતે કરેલા વિશ્લેષણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિસાવદરની ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયાના મતો અંગે કરેલું અનુમાન હોય કે અમિત શાહ ગૃહ મંત્રાલય સંભાળશે તે અંગેની પૂર્વધારણા હોય—તેમની માહિતી વર્ષોના અનુભવ અને વિશ્વસનીય સૂત્રોના ભરોસા પર આધારિત હોય છે.
ચૈતર વસાવા, શંકરસિંહ વાઘેલાનો મુદ્દો
દર્શક દ્વારા કરાયેલા પ્રશ્ન અંગે તેમણે જણાવ્યું કે પત્રકાર તરીકે તેઓ જમીની સ્તરે ચાલતી રાજકીય ચર્ચાઓ પ્રજા સમક્ષ લાવે છે. ગુજરાતમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી અંદાજે 40થી વધુ બેઠકોની રાજકીય મહત્તા સમજાવતાં તેમણે કહ્યું કે ચૈતર વસાવા અને શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓની ગતિવિધિઓમાં આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલના અધિકારો તથા અલગ ઓળખનો મુદ્દો આગામી દિવસોમાં મોટો રાજકીય મુદ્દો બની શકે છે.
પહેલાં આક્રમક હતા અને હવે ઠંડા પડી ગયા?
ભાજપ સામેના વલણમાં નરમાશ આવી હોવાની ચર્ચા પર જગદીશ મહેતાએ ખુલાસો કર્યો કે તેમના વલણમાં કોઈ બાંધછોડ નથી થઈ, માત્ર ભાષામાં શાલીનતા આવી છે. પદ પર બેઠેલા મંત્રી કે મુખ્યમંત્રી સામે પ્રજાનો અવાજ ઉઠાવતી વખતે વ્યક્તિગત આક્ષેપો કરવાને બદલે તંત્ર સામે સવાલો ઉઠાવવા એ પત્રકારત્વની ગરિમા છે.
છેલ્લે તેમણે ઉમેર્યું કે પત્રકાર માટે દર્શકો અને વાચકો સર્વોપરી છે, અને ગમે તેટલા વ્યક્તિગત કે કાનૂની પડકારો વચ્ચે પણ પ્રજાના પ્રશ્નોને નીડરતાથી વાચા આપવાનું તેમનું કામ ચાલુ રહેશે.