Fri Apr 17 2026

Logo

ઈડનના મેદાન પર ગલી ક્રિકેટ જેવું બન્યું! પ્રભસિમરનના થ્રોમાં બાર્ટલેટને...

2026-04-07 18:10:42
Author: Ajay Motiwala
Article Image

IPL 2026


કોલકાતાઃ સોમવારે આઇપીએલ (IPL)માં કોલકાતા-પંજાબ વચ્ચેની મૅચમાં વરસાદ પડ્યો અને 3.4 ઓવરની ટૂંકી રમત બાદ મૅચ છેવટે પડતી મૂકવામાં આવી એ પહેલાં પ્રેક્ષકોને થોડું મનોરંજન તો મળી જ ગયું હતું જેમાં (બાવીસ બૉલની રમતમાં) બે વિકેટ પડી હતી અને ત્રણ ફોર ફટકારવામાં આવી હતી અને અધૂરામાં પૂરું, પંજાબ Punjab)ના બે ખેલાડી વચ્ચેની (ગલી ક્રિકેટમાં થતી હોય છે એવી) મજાકમસ્તીએ પણ પ્રેક્ષકોને હસાવ્યા હતા.

મૅચ રદ થતાં કોલકાતા અને પંજાબને એક-એક પૉઇન્ટ આપી દેવાયો હતો. પરિણામે, ત્યારે પંજાબની ટીમ પાંચ પૉઇન્ટ સાથે મોખરે થઈ ગઈ હતી અને કોલકાતાને બહુમૂલ્ય પ્રથમ પૉઇન્ટ મળ્યો હતો.

બન્યું એવું કે એક રમૂજી ક્ષણમાં પંજાબના ખેલાડીઓ પ્રભસિમરન સિંહ અને ઝેવિયર બાર્ટલેટે (BARTLETT) સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાર્ટલેટે બીજી ઓવરમાં ફિન ઍલન (છ રન) અને કૅમેરન ગ્રીન (ચાર રન)ને આઉટ કર્યા એ પહેલાં બીજા નંબરના બૉલમાં ઍલન સ્કૂપ કરવા ગયો હતો, પણ ફાવ્યો નહોતો. તે બૉલને બૅટ પર નહોતો લઈ શક્યો અને તેના શરીરને વાગ્યા બાદ વિચિત્ર રીતે ઉછળ્યો હતો. બૉલ ક્યાં છે એની ઍલનને જાણ જ નહોતી અને તે બાયનો રન લેવા દોડ્યો હતો.

વિકેટકીપર પ્રભસિમરન સિંહ ક્ષણવારમાં આગળ દોડી આવ્યો હતો અને બૉલ કબજામાં લઈને સ્ટમ્પ્સ તરફ ફેંક્યો હતો. જોકે એટલી વારમાં બોલર બાર્ટલેટ સ્ટમ્પ્સની નજીક આવી ગયો હતો અને પ્રભસિમરને ફેંકલો બૉલ તેને પીઠમાં વાગ્યો હતો. મેદાન પરના ખેલાડીઓ ઉપરાંત હજારો પ્રેક્ષકો પણ ખૂબ હસ્યા હતા. આ બનાવ બાદ થોડી જ વાર પછી વરસાદ શરૂ થઈ ગયો હતો અને અંતે મૅચ અનિર્ણીત જાહેર કરાઈ હતી.