નિશીન: અહીં જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં ટી-20 ટૂર્નામેન્ટના ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં ભારતે પાકિસ્તાનના બોલર્સની ખબર લઈ નાખી છે. ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 211 રન બનાવ્યા.
ઓપનર અભિષેક શર્મા (61 રન, 28 બૉલ, સાત છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને તિલક વર્મા (51 અણનમ, 22 બૉલ, ચાર છગ્ગા, ત્રણ ચોગ્ગા) આ ઇનિંગ્સના બે મોટા હીરો હતા. શિવમ દુબે (27 રન, 15 બૉલ, બે છગ્ગા, બે ચોગ્ગા) શરૂઆતમાં ધીમી બૅટિંગ કર્યા પછી થોડું ઝડપી રમ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર ( 21 રન, 24 બૉલ, બે ચોગ્ગા) અને ઈશાન કિશન (20 રન, 18 બૉલ, ત્રણ ચોગ્ગા)નું ભારતના 211 રનમાં સાધારણ યોગદાન હતું.
એ પહેલાં, ભારતે પાકિસ્તાન સામે ધમાકેદાર શરૂઆત કરી હતી. આ હાઈ-વૉલ્ટેજ જંગમાં ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી વૈભવ સૂર્યવંશી (15 રન, નવ બૉલ, બે છગ્ગા) અને અભિષેક શર્માએ એક પછી એક ધમાકા સાથે ટીમને રોમાંચક આરંભ અપાવ્યો હતો.
ઑફ સ્પિનર સઇમ અયુબની પહેલી ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે કેપ્ટન સાહિબઝાદા ફરહાને બીજી ઓવર 21 વર્ષના નવા લેગ સ્પિનર સાદ મસૂદને આપવાની ભૂલ કરી હતી. મસૂદનો પહેલો બૉલ ડૉટ-બૉલ હતો, પરંતુ બીજા અને ત્રીજા બૉલમાં આઈપીએલ-2026ના સર્વોત્તમ સિક્સર સ્પેશિયાલિસ્ટ વૈભવે ઉપરાઉપરી બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનીઓનો જુસ્સો તોડી નાખ્યો હતો. મસૂદ એ ઓવરમાં દિશા જ ભૂલી ગયો હતો. તેનો એક બૉલ સીધો પિચની જ બહાર પડ્યો હતો. પરિણામે, અમ્પાયરે એ બૉલને વાઇડને બદલે નો-બૉલ જાહેર કર્યો હતો. અભિષેકે એ જ ઓવરમાં એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. મસૂદની આખી ઓવરમાં 24 રન બન્યા હતા અને ભારતનું ટોટલ 0/4થી 0/28 થઈ ગયું હતું.
જોકે સઈમ અયુબની પછીની ઓવરના પહેલા જ બૉલમાં વૈભવ રિવર્સ સ્વીપના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
સઇમ અને બાકીના પાકિસ્તાનીઓએ જાણે જૅકપૉટ લાગી ગયો એવી રીતે સેલિબ્રેશન કર્યું હતું, પરંતુ અભિષેકે એ જ ઓવરના છેલ્લા ત્રણ બૉલમાં 14 રન બનાવીને પાકિસ્તાનને તાબડતોબ વળતો જવાબ આપી દીધો હતો.
વૈભવ (Vaibhav)ની વિકેટ ત્રીજી ઓવરમાં પડી ત્યાર પછી સંજુ સૅમસન (બે રન) ચોથી ઓવરમાં આઉટ થયો હતો અને અભિષેક આઠમી ઓવરમાં લેફ્ટ આર્મ સ્પિનર અરાફત મિન્હાસના નીચા બાઉન્સમાં બિગ શૉટ મારવા જતાં વિકેટકીપર ઉસમાન ખાનને કૅચ આપી બેઠો હતો. અભિષેકની વિકેટ વખતે ભારતનો સ્કોર 3/93 હતો અને ત્યાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને ઈશાન કિશને બાજી સંભાળી લીધી હતી.