હાલમાં એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆતથી ગરમીનો પારો સતત ઉંચેને ઉંચે જતો રહ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ભારતના અનેક રાજ્યો અને શહેરો આકરી ગરમી અને હીટવેવની લપેટમાં આવી ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી ગરમ એવા 20 શહેરોની યાદીમાંથી 19 શહેર એકલા ભારતના જ છે.
હાલમાં જ જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, દુનિયાના સૌથી વધુ ગરમ 20 શહેરોની યાદીમાંથી 19 શહેરો તો ભારતના છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.
ભારત સહિત દુનિયા હાલમાં વૈશ્વિક સ્તરે ગરમીનો સૌથી મોટો પ્રકોપ ઝીલી રહ્યું છે. બિહારનું ભાગલપુર, ઓડિશાનું તાલચર અને પશ્ચિમ બંગાળનું આસનસોલ 44 ડિગ્રી તાપમાન સાથે દુનિયાના સૌથી ગરમ શહેરોમાં ટોચ પર છે. તમારી જાણકારી માટે કે ભારતના ગરમ શહેરની યાદીમાં બિહારના ભાગલપુર, બેગુસરાય, મોતિહારી, મુંગેર, ભોજપુર અને બેતિયા જેવા શહેરોમાં તાપમાન 43થી 44 ડિગ્રી નોંધાયુ છે.
વિશ્વના સૌથી ગરમ શહેરોની યાદીમાં બંગાળના આસનસોલ, દુર્ગાપુર અને મિદનાપુર તેમજ ઓડિશાના તાલચર અને બાલાંગીરમાં સૂર્યના અગનગોળા વરસી રહ્યા છે. આ સિવાય ઉત્તર પ્રદેશના વારાણસી અને ગોરખપુર પણ 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેરોના સમાવેશ થાય છે. વિશ્વના ટોપ 20 મોસ્ટ હોટ સિટીમાં ભારતના 19 શહેરો છે અને નેપાળના એકમાત્ર શહેર લુમ્બિનીનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને પૂર્વ ભારતમાં તાપમાન હજુ બેથી ચાર ડિગ્રી વધી શકે છે. હીટવેવના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે. ડોક્ટરોએ હાઇડ્રેટેડ રહેવા, વધુ પાણી પીવા અને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.