અમદાવાદઃ ગુજરાતમાં વહીવટી બેડામાં અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે, સરકાર દ્વારા ગુજરાત કેડરના બે ચર્ચાસ્પદ IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યાં છે. જેમાં એક નામ છે 2010ની બેચના IAS અધિકારી ગૌરવ દહિયા. તેમને પણ સરકાર દ્વારા ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, તેમને જાહેર હિતમાં ‘ફરજિયાત નિવૃત્ત’ (Compulsory Retirement) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાલો વિગતે જાણીએ કે શું છે આ સમગ્ર મામલો...
ઓલ ઇન્ડિયા સર્વિસીસ રૂલ્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી
ઓલ ઇન્ડિયા સર્વિસીસ (DCRB) રૂલ્સ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કોઈ અધિકારી વારંવાર વિવાદમાં આવે, ભ્રષ્ટાચાર અને ગંભીર અનિયમિતતા જેવી વિવાદમાં સપડાય ત્યારે સરકારની છબી ખરડાય છે. આમ તો સરકારી અધિકારીઓ સામે માત્ર ખાતાકીય તપાસ કે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે સરકાર દ્વારા કોઈ અધિકારીને નિયમ ૧૬(૩) હેઠળ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે તે મોટી કાર્યવાહી ગણવામાં આવે છે.
અંગત જીવન અને ગેરવર્તણૂકના કારણે વિવાદમાં આવ્યાં
વિગતે વાત કરવામાં આવે તો, 2010ની બેચના IAS અધિકારી ગૌરવ દહિયા અંગત જીવન અને ગેરવર્તણૂકના કારણે વિવાદમાં આવ્યાં હતાં. આઈએએસ (IAS) અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુ સિંહ વચ્ચેના વિવાદ અને કથિત લગ્ન અંગે વિવાદમાં આવ્યાં હતાં. દિલ્હીની રહેવાસી લીનુ સિંહ નામના મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ગૌરવ દહિયા સાથે તેમણે 28 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા અને તેમને એક બાળકી પણ છે. આ સમગ્ર મામલે મહિલાએ દિલ્હી પોલીસ અને મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી કે જ્યારે ગૌરવ દહિયાએ તેમની સાથે સંબંધ બાંધ્યો અને લગ્ન કર્યા ત્યારે તેઓ પહેલી પત્ની સાથે પરિણીત હતા.
ગુજરાત સરકારે તેમને વર્ષ 2019માં સસ્પેન્ડ કર્યા હતા
અત્રે નોંધનીય છે કે, આ વિવાદને કારણે ગુજરાત સરકાર દ્વારા તેમને વર્ષ 2019માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ગૌરવ દહિયા એ દાવો કર્યો હતો કે તેઓ મહિલા સાથે રિલેશનશિપમાં હતા, પરંતુ તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. બાદમાં આ કેસમાં કાનૂની અને તપાસ પ્રક્રિયાઓ થઈ હતી અને વર્ષ 2023માં ગુજરાત સરકાર દ્વારા તેમનું સસ્પેન્શન રદ કરીને તેમને ફરજ પર પરત લેવામાં આવ્યા હતા. પરંતુ હવે નિયમ ૧૬(૩) હેઠળ ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે.