Mon Oct 05 2026

Logo

ગુજરાત સરકારના માથે કેટલા કરોડનું દેવું છે? આંકડો જાણીને ચોંકી જશો

2026-02-19 15:12:00
Author: Mayur Patel
ગુજરાત સરકારના માથે કેટલા કરોડનું દેવું છે? આંકડો જાણીને ચોંકી જશો

ગાંધીનગરઃ ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે. 

આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે. 

રાજકોષીય ખાધ કેટલી

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.