Tue Oct 06 2026

Logo

પૃથ્વીના અંતની શરૂઆત? ગ્લેશિયર્સ પીગળવાથી ન્યૂયોર્ક-લંડન જેવા શહેરો જળમગ્ન થશે; જાણો 2125માં કેવી હશે પૃથ્વી?

2026-09-09 15:55:47
Author: Darshana Visaria
પૃથ્વીના અંતની શરૂઆત? ગ્લેશિયર્સ પીગળવાથી ન્યૂયોર્ક-લંડન જેવા શહેરો જળમગ્ન થશે; જાણો 2125માં કેવી હશે પૃથ્વી?

AI Generated Images


ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના ગંભીર સંકટ વચ્ચે વૈશ્વિક વૈજ્ઞાનિકો પૃથ્વીના ભવિષ્યને લઈને સતત સંશોધનો કરી રહ્યા છે. તાજેતરના ક્લાઈમેટ રિસર્ચ અનુસાર, આજથી 100 વર્ષ બાદ એટલે કે વર્ષ 2125 સુધીમાં આપણી પૃથ્વીનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. સતત વધી રહેલું વૈશ્વિક તાપમાન, પીગળતા ગ્લેશિયર્સ, સમુદ્રની વધતી જતી સપાટી અને લુપ્ત થતી પ્રજાતિઓ ભવિષ્ય માટે અત્યંત ભયાનક જોખમની ચેતવણી ઉચ્ચારી રહી છે.

તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો જંગી વધારો:
સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ સંસ્થા આઈપીસીસી (IPCC)ના અહેવાલ મુજબ, જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આ જ ગતિએ ચાલુ રહ્યું તો સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. કેટલાક ક્લાઈમેટ મોડેલ્સ ચેતવણી આપે છે કે જો સ્થિતિ નહીં સુધરે તો તાપમાનમાં ૫ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે, જે માનવ ઇતિહાસમાં સૌથી ઝડપી કુદરતી પરિવર્તન હશે.

સમુદ્રની સપાટી વધતાં ડૂબી જશે વિશ્વના મોટા શહેરો:
વધતી ગરમીથી ધ્રુવીય બરફ અને ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે. આગામી 100 વર્ષમાં ન્યૂયોર્ક, લંડન, બેંગકોક અને મુંબઈ જેવા દરિયાકાંઠાના મોટા શહેરોના નીચાણવાળા વિસ્તારો કાયમી ધોરણે જળમગ્ન થઈ શકે છે. કરોડોની વસ્તી ધરાવતા એશિયાના તટીય પ્રદેશો સૌથી વધુ પ્રભાવિત થશે, જેનાથી ઈતિહાસનું સૌથી મોટું ક્લાઈમેટ માઈગ્રેશન (Climate Migration) થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર 
વાતાવરણમાં અસંતુલન અને 25 ટકાપ્રજાતિઓ લુપ્ત થવાનો ભય:

ભવિષ્યમાં હીટવેવ (લૂ)ની ઘટનાઓ અત્યંત લાંબી ચાલશે, જેના કારણે પીવાના પાણીની ભારે તંગી અને ભયાનક દુષ્કાળ સર્જાશે. બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળ ફાટવા અને અતિવૃષ્ટિ જેવી આફતો સામાન્ય બની જશે. પર્યાવરણમાં આવતા આ અસંતુલનને કારણે પૃથ્વી પરની અંદાજે 25 ટકા એટલે કે એક ચતુર્થાંશ વનસ્પતિ અને જીવજંતુઓની પ્રજાતિઓ કાયમ માટે લુપ્ત થઈ જવાની આશંકા છે.

શું માનવજાતનું અસ્તિત્વ ટકી શકશે?:
વૈજ્ઞાનિકોના મતે 100 વર્ષ પછી પૃથ્વી માનવોના રહેવા લાયક તો રહેશે, પરંતુ જીવન અત્યંત કઠિન બની જશે. અનાજ અને શુદ્ધ પાણીની અછત, નવી બીમારીઓનો ફેલાવો અને આર્થિક અસમાનતા જેવી મોટી મુશ્કેલીઓ સામે આવશે. જો સમગ્ર વિશ્વ અત્યારથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા કડક પગલાં ભરે, તો આ સંભવિત વિનાશને અમુક અંશે રોકી શકાય છે.

વધુ જુઓ...