રિયાધ: ઇરાન સમર્થિત યમનના હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 73 લોકો ઘાયલ થયા છે. જેમાં સાઉદી નાગરિક અને આર્થિક સ્થળો પર હુમલા કર્યા છે.
તેલ અને ગેસ ઉત્પાદન સુવિધાઓને નિશાન બનાવી
આ અંગે સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે હુતીઓએ દેશના દક્ષિણ પ્રાંતમાં અનેક તેલ અને ગેસ ઉત્પાદન સુવિધાઓને નિશાન બનાવી હતી. આમ કરીને, હુતી બળવાખોરોએ મક્કા કરાર જેને ઘણીવાર "ઇસ્લામિક નાટો" તરીકે ઓળખવામાં આવે છે તેની માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે.
મક્કા કરારમાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબીયાએ કરાર કર્યા હતા કે જો કોઇ એક દેશ પર હુમલો થશે તો તમામ દેશો પર હુમલો ગણાશે.
હુતીઓ અને યમન સરકાર વચ્ચે પણ સંઘર્ષ
હુતીઓએ આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે યમનમાં લડાઈ વધુ તીવ્ર બની છે. સાઉદી સમર્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમનની સરકારે ઈરાન સમર્થિત હુતી બળવાખોરો પાસેથી પ્રદેશ પાછો મેળવવા માટે વળતો હુમલો શરૂ કર્યો છે. આ દરમિયાન હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલો કર્યો છે. જેમાં જેલ પર ઘાતક હુમલોમાં 11 લોકો માર્યા ગયા હતા.
હુતી બળવાખોરોએ જવાબદારી લીધી
સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલાની હુતી બળવાખોરોએ જવાબદારી લીધી છે. હુતી બળવાખોરો યમનના સૌથી વધુ વસ્તીવાળા વિસ્તારો અને દેશના ઉત્તરીય ભાગ પર નિયંત્રણ ધરાવે છે.
એરપોર્ટ અને કિંગ ખાલિદ એર બેઝ પર હુમલો
હુતી બળવાખોરો કહ્યું કે તેમણે આભા ઇન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ ખાલિદ એર બેઝ અને સરકારી ઓઇલ કંપની અરામકોની સુવિધાઓને નિશાન બનાવી છે. સાઉદી અરેબિયા અને યમનની સરહદ નજીક આવેલા આભા અને જીઝાનમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.