Thu Oct 08 2026

Logo

વિશ્વ મચ્છર દિને આરોગ્ય શિક્ષણની ઝુંબેશ: મુન્દ્રામાં શ્રમિક પરિવારને મચ્છરદાનીનું વિતરણ

2026-08-22 11:40:09
Author: Mumbai Samachar Team
વિશ્વ મચ્છર દિને આરોગ્ય શિક્ષણની ઝુંબેશ: મુન્દ્રામાં શ્રમિક પરિવારને મચ્છરદાનીનું વિતરણ

ભુજ: દર વર્ષે ૨૦ ઓગસ્ટે ઉજવાતા ‘વિશ્વ મચ્છર દિન’ નિમિત્તે કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા અને જનજાગૃતિ કેળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને ડીડીઓ ઉત્સવ ગૌતમની સૂચનાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં મચ્છરજન્ય રોગોના સર્વેલન્સ અને તપાસની કામગીરી વેગવંતી કરાઈ છે.

આ ઉજવણી દરમિયાન બંદરીય મુન્દ્રા ખાતે માનવતાભરી કામગીરી જોવા મળી હતી. ગોધરાથી મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારની બાળકી મલેરિયા પોઝિટિવ જણાતાં, નિવૃત્ત હેલ્થ સુપરવાઈઝર વિનોદ ઠક્કરે પોતાના ખર્ચે મચ્છરદાની ખરીદીને પરિવારને અર્પણ કરી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મેહુલ બલદાણિયાની ઉપસ્થિતિમાં શ્રમિકોને મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ કરવા અને ઘર આસપાસ પાણી ભરાઈ ન રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તંત્રે સ્વાઈન ફલૂ, મલેરિયા, ડેન્ગ્યૂ કે ચિકનગુનિયાના લક્ષણો જણાય તો તુરંત જ સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

ઉત્સવ વૈદ્ય