બનાસકાંઠાઃ ગુજ્જુ લવ ગુરુ ફેમ ચંદન રાઠોડના નિધન બાદ અનેક લોકો તેના પરિવારની મદદ માટે આગળ આવ્યા હતા. તેમજ બેસણામાં રાજકારણીઓ, ઈન્ફ્લુએન્સર સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. ગુજ્જુ લવ ગુરુનું અકસ્માતમાં મોત થયા બાદ હાલ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, ગુજ્જુ લવ ગુરુ રોંગ સાઈડમાં હતા એટલે પાલક સાથે અથડાયા હતા. બાઈક 25 ફૂટ લગી ઢસડાયું હતું ને ધડાકાભેર અવાજ આવ્યો હતો.
કોણે કર્યો દાવો
ગુજરાતના જાણીતા કોમેડિયન અને કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ'નું 17 સપ્ટેમ્બરે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.ગંભીર રીતે ઘવાયેલા ગુજ્જુ લવ ગુરુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત સમયે સામેની બાઈક ચલાવતા દશરથ રાઠોડના જણાવ્યા મુજબ, તેઓ સામાન બાંધીને ભાભર તરફ જઈ રહ્યા હતા ત્યારે 'ગુજ્જુ લવ ગુરુ' રોંગ સાઈડથી આવ્યા હતા અને કટ મારવા જતાં બાઈક અથડાઈ ગયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ચંદનભાઈનું બાઈક 20-25 ફૂટ સુધી ઢસડાયું હતું. દશરથભાઈની પાછળ બેઠેલા માણાભાઈ પણ આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા અને બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા. સામેની બાઈકવાળા લોકોને અકસ્માત સમયે ખબર નહોતી કે સામેની વ્યક્તિ જાણીતા કલાકાર 'ગુજ્જુ લવ ગુરુ' છે; આ વાતની જાણ તેમને બાદમાં સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.
ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે ફેમસ હતા. પોતાના અલગ પ્રકારના કન્ટેન્ટને કારણે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આગવી ઓળખ બનાવી હતી. માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ ગુજરાતના જાણીતા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ ગુજ્જુ લવ ગુરૂ ઉર્ફે ચંદન રાઠોડે કામ કર્યું હતું. ‘તુ અધૂરી વાર્તાનો છેડો’ નામની ફિલ્મમાં ગુજ્જુ લવ ગુરૂએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુઈગામના વતની ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર માત્ર કોમેડી કલાકાર તરીકે જ નહીં, પરંતુ પોતાની અલગ બોલવાની શૈલી અને ગામઠી અંદાજને કારણે જાણીતા બન્યા હતા. તેમના વીડિયો ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તેમના કન્ટેન્ટ સાથે જોડાયા હતા. તેમના વીડિયોનો ખાસિયતભર્યો ભાગ હતો તેમની દેશી ભાષા, સહજ અભિનય અને રોજિંદા જીવનમાંથી લેવામાં આવતી વાતોને રમૂજી રીતે રજૂ કરવાની શૈલી. અનેક વખત તેઓ મનોરંજનની સાથે સામાજિક સંદેશ પણ આપતા હતા.