Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026'નો પ્રારંભ, સોમનાથ મંદિર સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ

2026-09-15 17:21:23
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026'નો પ્રારંભ, સોમનાથ મંદિર સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ

ગાંધીનગર :ગુજરાતના મહાત્મા મંદિર ખાતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬'ની ૧૦મી આવૃત્તિનો  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી તા.18 સપ્ટેમ્બર, 2026 સુધી યોજાનારા આ ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે. 

66 દેશોના 2000થી વધુ હિસ્સેદારો

આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના 66  દેશોના 2000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે. આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે.

વિશેષ 'સર્ક્યુલરિટી એક્સ્પો' નું પણ વિધિવત ઉદ્ઘાટન 

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી  ભૂપેન્દ્ર યાદવે ગ્રીન ઇનોવેશન્સ, વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ્સ અને રિસાયક્લિંગ ટેકનોલોજીને પ્રદર્શિત કરતાં 125 થી વધુ સ્ટોલ્સ ધરાવતાં વિશેષ 'સર્ક્યુલરિટી એક્સ્પો' નું પણ વિધિવત ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું.

વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક પૂરી પાડશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે, જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે. ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે. WCEF–2026 ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની અને વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક પૂરી પાડશે.

સોમનાથ મંદિર સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ 

તેમણે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરતાં જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલો કરવામાં આવી રહી છે. મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે.

ફોરમમાં વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન 

આ ચાર દિવસીય ફોરમમાં વિવિધ વિષયો પર થનારા વિચારોના આદાન-પ્રદાનથી સમગ્ર વિશ્વના કલ્યાણ માટેનું ચિંતન અને નવી દિશા પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ના વિચારને આ ફોરમના માધ્યમથી સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુનઃસમર્થન

આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી  ભૂપેન્દ્ર યાદવે ઉપસ્થિત સર્વે ડેલીગેટ્સને આવકારતા જણાવ્યું હતું કે, બ્રિક્સ (BRICS) નવી દિલ્હી ઘોષણાપત્રમાં પણ આર્થિક સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ માટે સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુનઃસમર્થન મળ્યું છે. 

સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્ર, ડિઝાઇન, ઉત્પાદન, વપરાશ, પુનઃઉપયોગ, સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા છે.

સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના

જ્યારે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારત હવે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. આથી, આજના સમયમાં સર્ક્યુલર ઇકોનોમી માત્ર આપણા પર્યાવરણ અને ઇકોસિસ્ટમને સહારો આપવાનો માર્ગ નથી. તે હવે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની એક મોટી સંભાવના પણ બની રહી છે