અમદાવાદ/નવી દિલ્હીઃ દેશભરમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે ત્યારે ઘણા રાજ્યોમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ છત્તીસગઢ અને તેની નજીકના દક્ષિણી આંતરિક ઓડિશા પર સર્જાયેલા ડિપ્રેશનના પ્રભાવ હેઠળ દેશના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે છેલ્લા 24 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ પડ્યો નથી.
ઉત્તર પ્રદેશમાં 10 જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 26 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને બાળકોની સુરક્ષા માટે 10 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોરખપુર અને બસ્તી ડિવિઝનના પાંચ જિલ્લાઓ ગોરખપુર, મહરાજગંજ, બસ્તી, સંતકબીર નગર અને સિદ્ધાર્થનગરમાં શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં સંતકબીર નગરમાં ધોરણ 8 સુધીની શાળાઓ બંધ રહેશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં 12મા ધોરણ સુધીની શાળાઓમાં રજા રહેશે.
છ દિવસ રાજ્યમાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ, નલિયા, ડીસા સહિત કચ્છના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. જોકે આગામી છ દિવસ રાજ્યમાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે, ભારે વરસાદની શક્યતા નહીંવત્ છે. ચોમાસાની વિદાય સાથે જ રાજ્યભરમાં ભાદરવાના આકરા તાપનો અનુભવ થવા લાગ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
અંબાલાલે શું કરી છે આગાહી
આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આજથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થોડો ઘટાડો થઈ શકે છે. 29 અને 30 સપ્ટેમ્બરે ફરી ગરમી વધશે. ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડિપ્રેશન દક્ષિણ છત્તીસગઢ અને તેની સરહદે આવેલા દક્ષિણ ઓડિશાના આંતરિક વિસ્તારોમાં સક્રિય હતું અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. આગામી 12 કલાક સુધી આ ડિપ્રેશનની તીવ્રતા યથાવત રહેવાની સંભાવના છે, જે બાદ તે નબળું પડીને લો પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જવાનું અનુમાન છે. IMD એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હરિયાણા અને દિલ્હીમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદ અને તેજ પવનોને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા પૂર આવવાની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
The Depression over north Chhattisgarh moved nearly northwards with a speed of 15 kmph during past 06 hours and lay centered at 1800 UTC of 25th September 2026 over north Chhattisgarh & adjoining Northeast Madhya Pradesh, near latitude 22.8°N and longitude 82.1°E, close to Pendra… pic.twitter.com/QHbT6MLOLe
— India Meteorological Department (@Indiametdept) September 25, 2026