Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં આકરા ઉનાળાનો આરંભ, દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો

2026-03-11 16:00:00
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે આકરા ઉનાળાની વહેલી શરૂઆત થઇ  છે. જેમાં માર્ચ માસના પ્રથમ 10 દિવસમાં ગરમીનો પારામાં સરેરાશ સાત ડિગ્રીનો વધારો થયો છે. જેના લીધે લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીવમાં ગરમીએ આ વર્ષે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 

દીવમાં માર્ચ મહિનામાં જ 41.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીવમાં માર્ચ માસમાં  37 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતું હોય છે. ત્યારે દીવમાં આ વર્ષે 41 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ દીવમાં ગરમીએ આ વર્ષે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દીવમાં માર્ચ મહિનામાં જ 41.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ છે. 

અમદાવાદમાં આજે પારો  42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા 

આ ઉપરાંત હવામાન વિભાગે આજે  ગુજરાતના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ અને હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે  11 જિલ્લાઓમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  જેમાં અમદાવાદમાં આજે પારો  42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદમાં આજે વોર્મ નાઇટનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 

દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી  ગરમ અને ભેજવાળા વાતાવરણની શકયતા 

હવામાન વિભાગે ગરમીના એલર્ટ સાથે  અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને દીવ જિલ્લામાં રાત્રે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી  ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 

કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન પણ અમલમાં

ગુજરાતમાં સતત ગરમી વધતાં લૂ  લાગવાની શક્યતા રહેલી છે. તેમજ સરકાર અને કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન પણ અમલમાં મૂકવામાં આવે છે. જેના લીધે લોકો હીટ સ્ટ્રોકથી બચી શકે. તેમજ ગરમીથી બચવા માટે લોકોને ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. 

ગરમીથી બચવાના ઉપાયો 

- સમયસર  પૂરતું પાણી પીવો 
- લસ્સી, છાશ, લીંબુ પાણી અને નારિયેળ પાણી શરીરને ઠંડક આપે છે.
- તરબૂચ, કાકડી, દ્રાક્ષ જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરો.
- ઘર કે ઓફિસથી બહાર નીકળતી વખતે સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં પહેરો 
- તડકામાં નીકળતી વખતે ટોપી, ચશ્મા, અને છત્રીનો ઉપયોગ કરો.
    -  બપોરે કામ વિના  બહાર નીકળવાનું ટાળવું, અને લાંબો સમય સીધા સૂર્યપ્રકાશમાં ન રહેવું.