Tue Oct 06 2026

Logo

ગુજરાત ભાજપના સહ-પ્રભારી નિમાયેલા અજય મહાવર અને ગોમતી સાઈ કોણ છે ? ભાજપના નેતાઓએ જ પહેલી વાર સાંભળ્યાં નામ

2026-09-24 08:46:00
Author: Mayur Patel
ગુજરાત ભાજપના સહ-પ્રભારી નિમાયેલા અજય મહાવર અને ગોમતી સાઈ કોણ છે ? ભાજપના નેતાઓએ જ પહેલી વાર સાંભળ્યાં નામ

અમદાવાદઃ ભાજપે સંગઠને ગઈકાલે વિવિધ રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારીની જાહેરાત કરી હતી. ગુજરાત ભાજપના સહ-પ્રભારી તરીકે અજય મહાવર અને ગોમતી સાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આશ્ચર્યની વાત એ છે કે  ભાજપના નેતાઓએ જ પહેલી વાર નામ સાંભળ્યા હતા.  

કોણ છે અજય મહાવર 
 
દિલ્હીની ઘોંડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અજય મહાવર વૈશ્ય સમુદાયમાંથી આવે છે. મૂળરૂપે તેમનો પરિવાર રાજસ્થાનના અલવર જિલ્લાનો વતની છે. તેઓ 2020માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2025માં ફરીથી ચૂંટાઈ આવ્યા છે. અજય મહાવરનો જન્મ 19 જાન્યુઆરી, 1971ના રોજ ઝારખંડના સાહિબગંજમાં થયો હતો.

કોણ છે ગોમતી સાય

ભાજપે ગોમતી સાયની ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિમણૂક કરી છે. તેઓ છત્તીસગઢની અનુસૂચિત જનજાતિ માટે અનામત પથ્થલગાંવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ અગાઉ લોકસભા સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ 2019–2024માં રાયગઢ (ST) મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. 22 જૂન, 1978ના રોજ જન્મેલા ગોમતી સાય જશપુર જિલ્લા હેઠળ આવતા મુંડાડીહ ગામના વતની છે. આદિવાસી વિસ્તારમાં તેમની સક્રિયતા અને સંગઠનાત્મક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આદિવાસી પટ્ટા પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 

આ ઉપરાંત નવી સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવેલા ગુજરાત ભાજપના નેતાઓમાં, વર્ષાબેન દોશીની દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પક્ષના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને દિલ્હીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપનો મજબૂત ગઢ છે ગુજરાત

ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને ત્રણ દાયકાથી સત્તા પર છે. આ બંને નેતાઓની નિમણૂક એવા સમયે થઈ છે. આગામી મહિને ગાંધીનગર મનપાના ચૂંટણી યોજાવાની છે તેવા સમયે જ આ બંનેની નિમણૂક થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે. તેથી આ ચૂંટણીના પરિણામો ખૂબ મહત્વના છે. 2021માં ભાજપે 44માંથી 41 સીટ જીતીને સોંપો પાડી દીધો હતો.

આ ઉપરાંત ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. હાલ ચૂંટણીમાં 14 મહિનાનો સમય બાકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે જ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. રાજ્ય સરકારની કમાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના હાથમાં છે, જ્યારે સંગઠનની ધુરા જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર પાસે છે. રત્નાકર લાંબા સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી છે.