(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ વર્ષોથી સરકાર દ્વારા અલગ અલગ કાયદા અને નિયમો બનાવી તેના અમલીકરણ અને અન્ય મુદ્દાઓને લઈને વેપારીઓની હેરાનગતિ થતી જ રહે છે. નવી મુંબઈમાં વાશી સ્થિત એ.પી.એમ.સી. બજાર એશિયાની સૌથી મોટી કૃષિ ઉત્પન્ન બજાર છે. જેને હાલમાં જ સરકાર તરફથી રાષ્ટ્રીય બજાર ઘોષિત કરવામાં આવેલ છે. પરંતુ વેપારીઓને કાયદા અને સેસના નામે થતી હેરાનગતિમાં ઘટાડો થવાને બદલે વધારો થતો જ રહે છે.
એ.પી.એમ.સી. પ્રશાસન તરફથી મોટીમોટી ઈ-કોમર્સ કંપનીઓને ડાયરેક્ટ ખરીદી માટેના એ.પી.એમ.સી. લાઇસન્સ આપવામાં આવેલ છે જેને કારણે અહીંના વેપારીઓના વેપાર 60% જેટલા ઘટી ગયા છે. અગાઉ બધો જ માલ નવી મુંબઈની એ.પી.એમ.સી. માર્કેટમાં આવ્યા બાદ જ બહાર વેચવામાં આવતો હતો. જે હવે મથકોથી ડાયરેક્ટ જ મોકલી આપવામાં આવે છે, જેથી અહીંના વેપાર પર માઠી અસર પડી રહી છે. તેમ જ સ્થાનિક માર્કેટની હદમાં વેપારીઓને એ.પી.એમ.સી. સેસ, સેવા શુલ્ક / યુઝર્સ ચાર્જિસ જેવા કરવેરા લાગે છે. જ્યારે એ.પી.એમ.સી ની હદ બહાર વેપારીઓને કોઈપણ પ્રકારના કરવેરા લાગતા ન હોવાથી વેપારીઓ તંદુરસ્ત હરીફાઈ કરી શકતા નથી.
વધુમાં નવી મુંબઈના એ.પી.એમ.સી. માર્કેટને રાષ્ટ્રીય બજારનો દરજ્જો મળ્યો હોવાથી તે મુજબની સુધારણાઓ કરવા બાબતે તેમજ એ.પી.એમ.સી. સેવા શુલ્ક / યુઝર્સ ચાર્જિસ બાબતે હાઇ કોર્ટમાં ચાલતા કેસમાં સ્ટે મળેલ હોવા છતાં વેપારીઓને એ.પી.એમ.સી. સેવા શુલ્ક / યુઝર્સ ચાર્જિસની બાકી રકમની ભરપાઈ માટે વેપારીઓને એ.પી.એમ.સી. પ્રશાસન તરફથી નોટિસો આપવામાં આવેલ હતી.
વધુમાં કેન્દ્ર સરકાર તરફથી રૂ. 2000થી વધુના યુપીઆઈ પેમેન્ટ ઉપર આગામી 15 ઑક્ટોબર થી 0.4% ચાર્જ લગાવેલ હોવાથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનાજ - કઠોળના વેપારમાં નફાનું ધોરણ ખૂબજ ઓછું હોય છે જ્યારે નાણાકીય વ્યવહાર મોટા હોય છે. જેથી આવા ચાર્જનો બોજ વેપારીઓ સહન કરી શકશે નહિ. હાલમાં પેમેન્ટ કરવા માટે સૌથી વધુ ઉપયોગી અને સરળ ઉપાય યુપીઆઈનો છે. અગાઉ સરકારે યુપીઆઈ પેમેન્ટને પ્રોત્સાહન આપી સમગ્ર ભારતમાં નાણાનો સૌથી મોટો પર્યાય ઊભો કરી દીધો અને હવે તેના ઉપર ચાર્જ લગાવી સરકારની આવક વધારવાના પ્રયાસ કરી રહી હોવાનું સ્થાનિક ધી ગે્રઈન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ, મર્ચન્ટસ એસોસિએશન- ગ્રોમાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવેલ હતું.
સરકારના આવા બેવડા ધોરણોનો વિરોધ નોંધાવવા આજે તા. 29/09/2026ના નવી દિલ્લીમાં ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દ્વારા સાંજે 4.00 વાગે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આખા ભારતના વેપારી સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહેશે. અને સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. વધુમાં એ.પી.એમ.સી. સેસ, સેવા શુલ્ક / યુઝર્સ ચાર્જિસ જેવા કરવેરા બાબતે ઘટતું કરવા પણન સંચાલક શ્રી સંજય કદમ સાથે તા. 30/09/2026ના એક સભાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ એ.પી.એમ.સી. સેસ, સેવા શુલ્ક / યુઝર્સ ચાર્જિસ બાબતે મુંબઈ માં તા.01/10/2026ના મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, એમ તેમણે વધુમાં જણાવેલ હતું.