અમદાવાદ: ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. દેશના બેટરી સ્ટોરેજ માર્કેટમાં ગુજરાત દેશનું બીજું સૌથી મોટું માર્કેટ બનીને ઉભર્યું છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન પ્રથમ અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે.
રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો કેટલો છે હિસ્સો
એક રિપોર્ટ પ્રમાણે, જૂન 2026 સુધીમાં દેશની કુલ 9.3 GWh ક્ષમતા સાતે ગુજરાતનો હિસ્સો 20 ટકા છે અને દેશના બીજા સૌથી મોટા બેટરી સ્ટોરેજ માર્કેટમાં બીજા ક્રમે છે. આ યાદીમાં રાજસ્થાન 36 ટકા હિસ્સા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર 5 ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ ત્રણેય રાજ્યો મળીને ભારતના કુલ સ્થાપિત બેટરી સ્ટોરેજનો 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
આગામી પ્રોજેક્ટ્સની પાઇપલાઇનમાં ગુજરાત નંબર-1
રિપોર્ટ પ્રમાણે, ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત છે. દેશમાં સ્ટેન્ડઅલોન બેટરી સ્ટોરેજ ક્ષમતાની આગામી યોજનાઓમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશને પાછળ છોડીને દેશભરમાં મોખરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્ય દેશમાં સોલાર રૂફટોપ ક્ષમતામાં ટોચ પર છે અને કુલ સૌર ક્ષમતામાં બીજા ક્રમે છે. જેમ જેમ રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ 24 કલાક અવિરત વીજળીની જરૂરિયાત પણ વધી રહી છે. સૌર ઊર્જા માત્ર દિવસ દરમિયાન જ મળે છે, જ્યારે પવન ઊર્જામાં ઋતુ પ્રમાણે વધ-ઘટ થતી રહે છે. આથી સૌર, પવન અને એનર્જી સ્ટોરેજનું સંયોજન અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.
2026ના પ્રથમ છ મહિનામાં મોટો ઉછાળો
સૂત્રો અનુસાર, 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતમાં એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મોટા પાયાના સ્ટેન્ડઅલોન બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ ટેન્ડર અને પોલિસીના તબક્કામાંથી બહાર આવીને જમીન પર સાકાર થવા લાગ્યા છે, જે આ પાછળનું મુખ્ય કારણ છે. દિવસે સોલાર ઉત્પાદનમાં વધારો અને સાંજના સમયે વીજળીની વધતી માંગને પહોંચી વળવા સ્ટોરેજની જરૂરિયાત વધી રહી છે.
ભારતમાં આગામી ડેવલપમેન્ટ પાઇપલાઇનમાં અડધાથી વધુ હિસ્સો સ્ટેન્ડઅલોન બેટરી સ્ટોરેજનો છે. રિપોર્ટ અનુસાર, સોલાર-પ્લસ-સ્ટોરેજ અને સોલાર-પ્લસ-વિન્ડ વિથ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પ્રત્યેક 15 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. દેશની આગામી યોજનાઓની ક્ષમતા હાલની સ્થાપિત ક્ષમતા કરતાં 8 ગણી વધારે છે.
ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં સતત આગળ વધી રહેલા ગુજરાત માટે બેટરી એનર્જી સ્ટોરોજ સિસ્ટમ અને પમ્પ્ડ સ્ટોરેજ બંને મુખ્ય ફોકસ રહેશે. પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ તૈયાર થવામાં વધુ સમય લાગે છે, જ્યારે બેટરી સ્ટોરેજ ઝડપથી કાર્યરત કરી શકાય છે. તેથી રાજ્ય સરકારે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી હેઠળ બેટરી એનર્જી સ્ટોરોજ સિસ્ટમ અગ્રતા આપી છે અને રોકાણને પ્રોત્સાહન આપવા વિશેષ રાહતો પણ આપી રહી છે.