Tue Oct 06 2026

Logo

પાલિકા ફિલ્મસિટીને ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે જમીન વાપરવા  કરોડો રૂપિયા  ચૂકવશે

2026-10-04 08:28:35
Author: Sapna Desai
પાલિકા ફિલ્મસિટીને ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે જમીન વાપરવા  કરોડો રૂપિયા  ચૂકવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) માટે ઉપયોગમાં લેવાતી જમીન માટે મુંબઈ મહાનગરપાલિકા ફિલ્મ સિટી કોર્પોરેશનને નાણાકીય રકમની ચૂકવણી કરવાની છે, તેની સામે નગરસેવકોએએ પાલિકાએ  શા માટે વળતરનો આર્થિક બોજો સહન કરવું જોઈએ એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો. જોકે પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે ફિલ્મ સિટી તેના પ્લોટ પર થનારા શૂટિંગની આવક પર નિર્ભર છે અને આ  પ્રોજેક્ટે કારણે તે આવક ગુમાવશે. પ્રશાસનની સમજણ બાદ છેવટે સ્થાયી સમિતિએ તેમને રકમ ચૂકવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો.

ગોરેગામ-મુલુંડ ટિવન ટનલ પ્રોજેક્ટ ફિલ્મ સિટીને અસર કરી રહ્યો છે, તેના પરિસરમાંથી ૧.૬ કિમીનો રસ્તો પસાર થાય છે અને તેને કારણે  ફિલ્મસિટીના મેદાન પરના શુટિંગને અસર થઈ રહી છે. ફિલ્મ સિટી કોર્પોરેશને ૧૭૪.૧૨ કરોડ રૂપિયાની સંભવિત ખોટ દર્શાવી છે, જ્યારે પાલિકા  માર્ચ ૨૦૨૯ સુધી જોશ મેદાન અને જોકર મેદાન સહિતના કામચલાઉ મેદાનો પર ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.  આ પ્રસ્તાવને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આટલી મોટી રકમના વળતર સામે નગરસેવકોએ સવાલ કર્યા હતા. 

 શિવસેના (શિંદે જૂથ)ના નેતા યામિની જાધવે પ્રશ્ર્ન કર્યો હતો કે જ્યારે ગોરેગામ-મુલુંડ લિંક રોડ એક સાર્વજનિક પ્રોજેક્ટ છે અને તે મુંબઈ માટે મુખ્ય કનેક્ટિવિટી વધારવાની અપેક્ષા છે ત્યારે પાલિકાએ શા માટે ખર્ચ ઉઠાવવો જોઈએ. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નગરસેવિકા સઇદા ખાને ધ્યાન દોર્યું કે ફિલ્મ સિટીની જમીન સરકારી જમીન હોઈ  તેમને સબસિડીવાળા દરે ફાળવવામાં આવી હતી. તો પછી તેમને પાલિકા પ્રશાસને  શા માટે ભાડું ચૂકવવું જોઈએ? કોંગ્રેસે પણ આ બાબતે  ચિંતા વ્યક્ત કરી હતી.

સ્થાયી સમિતિના સભ્યોે કરેલા સવાલના જવાબ આપતા પાલિકાના એડિશનલ કમિશનર અવિનાશ ઢાંકણેએ જણાવ્યું હતું કે ફિલ્મ સિટીની આવકનો પ્રાથમિક સ્ત્રોત શૂટિંગ ભાડાનો છે અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટે ઘણા શૂટિંગ મેદાનો અને સેટ દૂર કરવાની ફરજ પાડી છે, જેના કારણે તેમને નોંધપાત્ર નુકસાન થયું છે.  પ્રાદેશિક ભાષાની ફિલ્મો ખાસ કરીને મરાઠી ફિલ્મોને ફિલ્મ સિટીની શૂટિંગની આવક દ્વારા ટેકો મળે છે.ઢાંકણેએ  જણાવ્યું હતું કે ફિલ્મ સિટીના નુકસાનને સરભર કરવા માટે ૨૦ કરોડ રૂપિયાનું ભાડું આવશ્યક છે. આ ખુલાસા બાદ સ્થાયી સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.