Tue Oct 06 2026

Logo

GMDC ગ્રાઉન્ડ નવરાત્રી 'ફ્રી' નથી રહી: પાસ અને ફીના વિવાદ મુદ્દે કોંગ્રેસ અને સરકાર આમનેસામને

2026-09-27 19:00:00
Author: Devayat Khatana
GMDC ગ્રાઉન્ડ નવરાત્રી 'ફ્રી' નથી રહી: પાસ અને ફીના વિવાદ મુદ્દે કોંગ્રેસ અને સરકાર આમનેસામને

અમદાવાદ: ગુજરાતના હવે નવરાત્રી મહોત્સવની ધૂમ દેખાઈ રહી છે, તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'વાઈબ્રન્ટ નવરાત્રી' મહોત્સવમાં આ વર્ષે ફી લાદવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજ કઠવાડિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો. જોકે, સરકાર આસ્થા, સંસ્કૃતિ અને લોકોની લાગણીઓનું વેપારીકરણ કરી રહી કોંગ્રેસના આરોપોને હર્ષ સંઘવીએ ફગાવ્યા હતા.

ડૉ. કઠવાડિયાએ જણાવ્યું હતું કે જે રીતે ખાનગી ક્લબો અને પાર્ટી પ્લોટોમાં ગરબાનું વેપારીકરણ થઈ ગયું છે, હવે ગુજરાત સરકાર પણ તે જ દિશામાં પગલાં ભરી રહી છે. અત્યાર સુધી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં વિનામૂલ્યે ગરબા રમીને માં જગદંબાની આરાધના કરવા જતા હતા, તે સરકારી આયોજનમાં પણ હવે પાસ અને ફીનું દૂષણ ઘૂસી ગયું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અમદાવાદના GMDC ગ્રાઉન્ડના પાસ ઓનલાઈન પ્લેટફોર્મ 'બુકમાયશો' પર વેચાઈ રહ્યા છે. જેમાં પાસના દરો ₹ 100, ₹ 250, ₹ 1,200થી લઈને ગ્રુપ પાસ માટે ₹ 33,000 સુધી રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તાએ ઉમેર્યું હતું કે રાજ્યમાં પહેલાથી જ મોંઘવારી સતત વધી રહી છે અને સામાન્ય પ્રજા પર મોંઘવારીનો ભારે માર પડી રહ્યો છે. તેવામાં આવા ધાર્મિક ઉત્સવમાં પણ પાસનું દૂષણ અને વેપારીકરણ લાદીને ગરીબ તથા મધ્યમ વર્ગ પર વધારાનો આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે, જેનાથી પ્રજા પર મોંઘવારીનો માર વધુ વધશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'વાઈબ્રન્ટ નવરાત્રી' મહોત્સવમાં આ વર્ષે ફી લાદવામાં આવી હોવાના વિપક્ષના આરોપ પર સરકારે પ્રતિક્રિયા આપી છે. સરકારે આક્ષેપો ફગાવતા કહ્યું હતું કે ઓનલાઇન મૂકવામાં આવેલા આ પાસ કોઈ કમાણી માટે નહીં પરંતુ માત્ર વ્યવસ્થા જાળવવા માટે મૂકાયેલા 'ટોકન' છે. 

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ પૂરતી માહિતી અને નીતિ વાંચી જ નથી અને અડધી-પડધી વિગતો સાથે ભ્રમ ફેલાવી રહ્યા છે. રૂ. 100 કે 200 જેવા સામાન્ય ટોકન દરે લોકો ઘેરબેઠા ઓનલાઇન પાસ બુક કરાવી શકે તેવું સુચારુ આયોજન કરાયું છે. આ સિસ્ટમ લાવવા પાછળનો મુખ્ય આશય એ છે કે ગરબા જોવા આવતા નાગરિકોને સ્થળ પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે અને તેમને સુરક્ષિત તથા સરળતાથી ગ્રાઉન્ડમાં સીધી એન્ટ્રી મળી રહે.