Mon Oct 05 2026

Logo

કચ્છના રણમાં પાણીના નાના તળાવથી મોટી ઇકોસિસ્ટમ: ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણી સાચવવાની યોજના

2026-09-24 12:26:00
Author: Mumbai Samachar Team
કચ્છના રણમાં પાણીના નાના તળાવથી મોટી ઇકોસિસ્ટમ: ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણી સાચવવાની યોજના

ભુજ: રણ પ્રદેશમાં વરસાદનું પાણી લાંબા સમય સુધી ટકાવવું એ સૌથી મોટો પડકાર છે. આ પડકારને ધ્યાનમાં રાખીને કચ્છના નાના રણ વિસ્તારમાં માટી અને ભેજ સંરક્ષણ માટે ખાસ પ્રકારના બંધારા ઊભા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પ્રથમ તબક્કામાં આશરે ૧ કિલોમીટર વિસ્તારમાં કામ શરૂ કરવામાં આવ્યું છે અને તબક્કાવાર તેનો વિસ્તાર વધારવાની યોજના છે. 

વન વિભાગના જણાવ્યા મુજબ આ બંધારાઓ ચોમાસા દરમિયાન આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણી રોકી શકે તેવી ક્ષમતા ધરાવશે. સંગ્રહાયેલું પાણી શિયાળાના સમય સુધી વન્યજીવો માટે કુદરતી પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગી બને તેવી અપેક્ષા છે. 

આ યોજનાનો હેતુ માત્ર પાણી સંગ્રહ કરવાનો નથી. પાણી અને ભેજ જમીનમાં ટકવાથી માટીની ગુણવત્તામાં સુધારો થાય અને સ્થાનિક ઘાસ ઉગે તો શાકાહારી વન્યજીવો માટે ખોરાકની ઉપલબ્ધિ વધે તેવી પરિકલ્પના છે.

આવા જળાશયોમાં પક્ષીઓ માટે સલામત બેસવા અને માળો બનાવવા માટે ઊંચા ટેકરા પણ બનાવવામાં આવી રહ્યા છે. પરિણામે સ્થાનિક તેમજ સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે નવા વેટલેન્ડ જેવા માઇક્રોહેબિટેટ વિકસવાની શક્યતા છે. 

રણમાં એક નાનકડું પાણીનું તળાવ માત્ર પીવાના પાણીનું કેન્દ્ર રહેતું નથી. પાણી આસપાસ ઘાસ ઊગે, જંતુઓ વધે, તેને ખાવા પક્ષીઓ આવે અને ત્યારબાદ અન્ય જીવસૃષ્ટિ જોડાય તે રીતે પાણીનો એક સ્ત્રોત ધીમે ધીમે સમગ્ર સ્થાનિક ઇકોસિસ્ટમને અસર કરી શકે છે. કચ્છ જેવા અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદનું દરેક ટીપું લાંબા સમય સુધી ટકાવી રાખવાની આવી કામગીરી આગામી વર્ષોમાં વન્યજીવ સંરક્ષણ સાથે પાણી અને ઘાસચારાની ઉપલબ્ધિ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.

(ઉત્સવ વૈદ્ય)