Tue Oct 06 2026

Logo

દારૂબંધીના લીરેલીરા: ભચાઉમાં સોયાબીનની ટ્રકમાંથી ₹1.08 કરોડનો વિદેશી દારૂ જપ્ત, 15 દિવસમાં ₹15 કરોડનો માલ પકડાયો

2026-02-24 18:50:58
Author: Mumbai Samachar Team
દારૂબંધીના લીરેલીરા: ભચાઉમાં સોયાબીનની ટ્રકમાંથી ₹1.08 કરોડનો વિદેશી દારૂ જપ્ત, 15 દિવસમાં ₹15 કરોડનો માલ પકડાયો

ભુજઃ રાજ્યના પોલીસ વડા ડો.કે.એલ.એન રાવની કચ્છ મુલાકાતની પૂર્વ સંધ્યાએ ભુજ તાલુકાના વડવાલા ગામ ખાતે ત્રાટકેલી રાજ્યસ્તરની પોલીસે ચાર કરોડથી વધુનો શરાબનો વિક્રમી જથ્થો, તેમજ અંજારના વરસાણા નજીક એક હોટેલના પ્રાંગણમાંથી  એસ.એમ.સી.ની ટુકડીએ રૂા. ૨.૦૬ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હોવાના પ્રકરણની પોલીસ તંત્રમાં ધ્રુજારી હજુ શમી નથી તેવામાં ભચાઉના વોંધ નજીકથી રૂા.૧,૦૧,૦૮,૮૦૦ની કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો એસ.એમ.સી.એ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ તંત્રમાં સોંપો પડી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક મીઠાના અગરો બાજુથી પસાર થતી શંકાસ્પદ ટ્રકનો રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની ટુકડીએ પીછો કર્યો હતો.  ગારામાં ખૂંપેલા ટ્રકને ક્રેન વડે બહાર કાઢી, ભચાઉ પોલીસ મથકે લઇ જઇ તેમાંથી સોયાબીનની થેલીઓની આડમાં છુપાવાયેલી રૂા.૧,૦૧,૦૮,૮૦૦ની વિવિધ બ્રાંડની દારૂની બોટલ જપ્ત કરી હતી. બુટલેગરોએ ટ્રક આગળ જી.જે. ૧૨-બી.વી. ૮૫૭૩નું સ્ટીકર ચોટાડયું હતું. વાહનના ચેસીસ નંબરના આધારે તપાસ કરાતાં તેના સાચા નંબર એમ.પી. ૦૯ એચ.એચ. ૪૨૯૮ હોવાનું બહાર આવ્યું હતું. 

આ કામગીરીમાં સાત આરોપીઓની સંડોવણી પ્રાથમિક રીતે બહાર આવી હતી. જેમાં માલ મંગાવનાર તરીકે ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, લેવા આવનાર તરીકે ભચાઉનો ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા શિવમસિંહ જાડેજાનું નામ બહાર આવ્યું હતું જ્યારે કન્ટેઇનર ટ્રકનો માલિક, લઇ આવનાર ટ્રકચાલક,દારૂ મોકલનારનું નામ બહાર આવ્યું નહોતું. એસ.એમ.સી.ની આ કાર્યવાહી દરમ્યાન એક પણ આરોપી પકડાયા નથી. અગાઉ પણ વરસાણા ખાતેના દરોડામાં પણ હજુ સુધી કાંઇ બહાર આવ્યું નથી ત્યારે આવી સફળ કાર્યવાહીના આરોપીઓ ક્યારે પકડાશે તેના પર સૌની મીટ મંડાઈ છે. 

દરમ્યાન, અશોકસિંહ સામે અગાઉ આઠ, ભગીરથસિંહ સામે ત્રણ અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમસિંહ સામે અગાઉ દારૂ સંબંધી ચાર ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં માદક પદાર્થો ઘુસાડવા માટે ગોલ્ડન ગેટવે બની ચૂકેલા સીમાવર્તી કચ્છમાં વીતેલા પખવાડિયા દરમ્યાન સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને ત્રાટકેલી રાજ્ય સ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલે ૧૫ કરોડનો દારૂ પકડી પાડીને સ્થાનિક પોલીસની બેદરકારીને છતી કરી દીધી છે.

(ઉત્સવ વૈદ્ય)