નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અને અલ નિનોની અસર હેઠળ ખાંડ સહિતની કૉમૉડિટીના ભાવમાં વધારો થયો હોવા છતાં એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્નઝ્યુમર ગૂડ્સ) કંપનીઓ આગામી તહેવારોની મોસમ દરમિયાન ખાસ કરીને ગ્રાહકોની માગને સુરક્ષિત રાખવા અને વપરાશી માગને ટેકે વૉલ્યૂમ વૃદ્ધિ જાળવી રાખવા ભાવ જાળવી રાખે તેવી શક્યતા છે.
ઉદ્યોગના અગ્રણી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત જૂન અંતનાં ત્રિમાસિકગાળામાં ઊંચા ઈનપૂટ ખર્ચને આંશિક રીતે સરભર કરવા માટે કંપનીઓએ અંદાજે બેથી પાંચ ટકાનો વધારો કર્યો હતો અને માર્જિન દબાણ હેઠળ હોવા છતાં તહેવારોની મોસમના અંત પહેલા વધુ વધારો કરે તેવી શક્યતા નથી જણાતી. હાલમાં એફએમસીજી ક્ષેત્ર વૈશ્વિક બજારોમાં ભૂરાજકીય વિક્ષેપો અને પુરવઠાની ચિંતાઓ વચ્ચે ખાસ કરીને પેકેજિંગમાં વપરાતા ખાદ્યતેલ, કૉફી, કૉકૉ, ક્રૂડતેલ અને તેનાં ડેરિવેટીવ્સ જેવાં મુખ્ય ઈનપૂટ ખર્ચમાં તીવ્ર વધારા સાથે નવાં ખર્ચનાં દબાણના પડકારોનો સામનો કરી રહ્યું છે.
ઘણીખરી કંપનીઓએ ખર્ચ નિયંત્રણનાં પગલાઓ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ દ્વારા ફુગાવા વૃદ્ધિનો નોંધપાત્ર હિસ્સો ભોગવી લીધો છે અને માર્જિન પર દબાણ ઊંચું રહેવા છતાં તેઓ વૉલ્યૂમ વૃદ્ધિ સલામત રાખવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એમ ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું.
આઈટીસીનાં ખાદ્ય વિભાગના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર હેમંત મલિકે જણાવ્યું હતું કે કૉમૉડિટીના ભાવલક્ષી દબાણ હોવા છતાં કંપની આગામી તહેવારોની મોસમ દરમિયાન ભાવ જાળવી રાખશે. અમે ખર્ચ વ્યવસ્થાપન અને પોર્ટફોલિયો સંબંધિત પગલાં દ્વારા કાચા માલની કિંમતોમાં થયેલો વધારો અમે પોતે ભોગવીને ભાવ સ્થિર રાખવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
ગત સાલ જીએસટીનાં દરમાં ઘટાડાની અસરનો ઉલ્લેખ કરતાં મલિકે જણાવ્યું હતું કે આ પગલાંથી વિવિધ શ્રેણીઓનાં વેચાણમાં વધારો થવાની સાથે બજારની માગનો પણ ટેકો મળ્યો હતો. જોકે, તેમણે સંકેત આપ્યો હતો કે જો ખર્ચનું દબાણ ચાલુ રહેશે તો વર્તમાન નાણાકીય વર્ષનાં ઉત્તરાર્ધમાં અર્થાત્ ત્રીજા કે ચોથા ત્રિમાસિકગાળામાં ભાવ અંગેનાં નિર્ણયો પર પુનર્વિચાર કરવાની જરૂર પડે તેમ જણાય છે. મોટા ભાગની કંપનીઓએ ખર્ચમાં ઘણો વધારો થયો હોવા છતાં અત્યાર સુધીમાં ભાવમાં ત્રણથી પાંચ ટકા જેટલો નજીવો વધારો કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં દેશની અગ્રણી કંપની ડાબર ઈન્ડિયાએ પણ ખર્ચને આંશિક રીતે સરભર કરવા માટે પસંદગીના ઉત્પાદનોના ભાવમાં નિયંત્રિત ધોરણે ફેરફાર કરવાની સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ડાબર ઈન્ડિયાના સીએફઓ અંકુશ જૈને જણાવ્યું હતું કે છેલ્લાં થોડા મહિનામાં વધેલા ભૂરાજકીય તણાવને કારણે સર્જાયેલા ફુગાવાલક્ષી દબાણ અને સ્પર્ધાત્મકતાને ધ્યાનમાં લેતા અમે અમુક અંશે થોડા ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો હતો. જોકે, હવે અમે વર્તમાન પરિસ્થિતિના વિકાસ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં પાર્લે પ્રોડક્ટનાં ચીફ માર્કેટિંગ ઑફિસર મયંક શાહે જણાવ્યું હતું કે શહેરી અને ગ્રામીણ બજારોની મજબૂત માગ અને સરકારી પગલાંને કારણે તાજેતરમાં ખાંડના ભાવમાં થયેલા ઘટાડાને જોતા મોટાભાગની કંપનીઓ ઓછામાં ઓછા દિવાળી સુધી ભાવ સ્થિર રાખે તેવી શક્યતા છે. ઘણીખરી કંપનીઓ તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કદાચ અત્યારે ભાવ સ્થિર રાખશે અને ભાવ વધારીને માગ અવરોધિત થાય તેવું નહીં ઈચ્છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે મારા મતે શહેરી અને ગ્રામીણ બન્ને બજારોમાં માગ પ્રોત્સાહક રહી છે અને કંપનીઓ ભાવવધારાને કારણે વપરાશી માગ ધીમી પાડવાનું જોખમ લેવાને બદલે માગ વૃદ્ધિની ગતિ જાળવી રાખવાનું વધુ પસંદ કરશે. ખાસ કરીને સરકારી હસ્તક્ષેપ બાદ ખાંડ જેવી અમુક ચીજોમાં થયેલા ઘટાડાથી ઉત્પાદકોને થોડી રાહત મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.