Tue Oct 06 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ફ્લાયદુબઈની ઘટનાનો બોધપાઠ: દરેક વાર સુપર હીરો સ્મિત ના બચાવી શકે

2026-10-05 07:46:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ફ્લાયદુબઈની ઘટનાનો બોધપાઠ: દરેક વાર સુપર હીરો સ્મિત ના બચાવી શકે

 

ભરત ભારદ્વાજ

ફ્લાયદુબઈ એરલાઈન્સની તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં શૂરવીર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે ઓમાનના હુમલાખોર પાઇલટનો મુકાબલો કરીને 174 પ્રવાસીઓના જીવ બચાવ્યા એ ઘટનામાં ચાર દિવસ પછી અંતે ઓમાનના પાઇલટની ઓળખ જાહેર કરાઈ છે. સાથે સાથે હુમલો કઈ રીતે કરાયેલો અને ઓમાની પાઇલટનો ઈરાદો શું હતો તેની પણ વિગતો જાહેર કરાઈ છે. 

આ વિગતો પ્રમાણે, કેપ્ટન સ્મિત પર હુમલો ઓમાનના કો-પાઇલટનું નામ હમામ અલ-હમામી છે. પહેલાં પ્રાથમિક માહિતીમાં કેપ્ટન સ્મિત પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો અને ઘણા પ્રવાસીઓએ પણ આ વાતને સમર્થન આપેલું પણ સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કરાયો હતો. 

દરેક વિમાનમાં‘ક્રેશ એક્સ’ તરીકે ઓળખાતી કુહાડી ઇમર્જન્સી માટે રાખવામાં આવે છે. આકસ્મિક સંજોગોમાં કોઈ પેનલને કાપવા, આગ સુધી પહોંચવા અથવા ફસાયેલા લોકોને બહાર કાઢવાનો રસ્તો બનાવવા માટે આ ક્રેશ એક્સનો ઉપયોગ થાય છે. હમામીએ આ કુહાડીથી કેપ્ટન સ્મિતને ઘાયલ કરી દીધા હતા અને લોહીલુહાણ કરી દીધા હતા. કેપ્ટન સ્મિતે એ છતાં કોકપિટનો દરવાજો ખોલી દેતાં હમામી શું કરી રહ્યો છે તેની બધાંને ખબર પડી ગઈ. કેટલાક બહાદુર પ્રવાસી કોકપિટમાં ઘૂસી ગયા અને હમામીને પછાડીને તેને પણ કાબૂમાં લીધો અને પ્લેનને પણ કાબૂમાં લઈને ક્રેશ થતાં બચાવી લીધું. 

સત્તાવાર રીતે હમામીએ કેમ હુમલો કર્યો તેના વિગતો નથી અપાઈ પણ બિન સત્તાવાર વિગતો પ્રમાણે હમામીનો ઈરાદો નાઈન ઈલેવન જેવો હુમલો કરવાનો હતો. 2001માં અલ કાયદાના આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઘુસાડીને તબાહી વેરી એવી જ તબાહી હમામી ઈઝરાયલમાં વેરવા માગતો હતો. તપાસ સાથે જોડાયેલાં સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે પૂછપરછમાં હમામીએ વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરવાનો ઈરાદો હોવાનું સ્વીકાર્યું છે. હમામી ચોક્કસ ક્યા સ્થળે પ્લેન ક્રેશ કરવા માગતો હતો તેની વિગતો બહાર નથી આવી પણ ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં કોઈ સરકારી કે લશ્કરી બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ કરવાનો તેનો ઈરાદો હોઈ શકે છે. 

હમામીની પૂછપરછમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, હમામ અલ-હમામી ઓમાનનો રહેવાસી છે. હમામી લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો તેથી અલ કાયદા સહિતનાં સંગઠનોના કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત થયો હતો. અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત થયેલા હમામીની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હોવાથી પહેલાં તેને બે એરલાઇન્સમાંથી પાણીચું આપી દેવાયેલું. 

હમામ અલ-હમામી પહેલા રોયલ એર મેરોક સાથે કામ કરતો હતો પણ પછી તેને દૂર કરાયો હતો. 2024માં હમામી ઓમાનની નેશનલ એરલાઇનમાં જોડાયેલો પણ તેને પાઇલટ ટ્રેનિંગમાંથી જ હટાવી દેવામાં આવ્યો હતો કેમ કે હમામી કટ્ટરપંથી ઇસ્લામિક વેબસાઇટ્સ જોતો હતો. આ કારણે હોહા ના થાય એટલે એરલાઇનમાં બીજી જવાબદારી આપવામાં આવી હતી ને લગભગ દોઢ વરસ લગી કામ કર્યા પછી 8 મહિના પહેલા ફ્લાયદુબઈ સાથે જોડાયો હતો.

હમામી અંગે બીજી વિગતો પણ બહાર આવશે પણ એક ચોંકાવનારી વાત એ છે કે, ફ્લાયદુબઈ દ્વારા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી નિયમોની અવગણના કરીને હમામીને ઈઝરાયલ જતી ફ્લાઈટમાં મૂકવામાં આવ્યો હતો. ઓમાન અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો નથી તેથી કોઈ ઓમાની નાગરિકને ઈઝરાયલ જતી ફ્લાઈટમાં પાઇલટ તરીકે ના મૂકી શકાય. આ સામાન્ય નિયમ છે ને બધા દેશો તેને પાળે છે છતાં હમામીને તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે કેમ મુકાયો એ સવાલ છે. 

તેલ અવીવ જતી ફ્લાઈટમાં હમામીની તૈનાતીના કારણે એની શંકા પણ ઉદભવે છે કે, હમામીએ કેપ્ટન સ્મિત પર કરેલો હુમલો કોઈ ઉન્માદ કે કટ્ટરપંથી વિચારધારાને કારણે અચાનક આવેલા ઊભરાને કારણે નહોતો થયો, તેલ અવીવમાં પ્લેન ક્રેશ કરવાનું કાવતરું લાંબા સમય પહેલાં જ ઘડાયેલું અને મોટાં માથાં તેમાં સામેલ હશે. તેમની મહેરબાનીથી જ હમામીને તેલ અવીવ મોકલીને પ્લેન ક્રેશ કરવાનો કારસો અમલી બનાવાયેલો પણ હમામી કેપ્ટન સ્મિતને પતાવી ના શક્યો તેમાં કાવતરું નિષ્ફળ ગયું. 

હમામીએ પોતાની રીતે આ કામ કર્યું છે એવું લાગે એ માટે કેપ્ટન સ્મિત પર હુમલાનો ડ્રામા કરાયો હોય એ શક્ય છે. હમામી કટ્ટરવાદના રંગે રંગાયેલો છે એવું બતાવવા માટે તેના સામાનમાંથી ‘ફ્રી પેલેસ્ટાઇન’ જૂથોના પેમ્ફલેટ અને અન્ય પેલેસ્ટાઇન સમર્થક સામગ્રી મૂકી દેવાઈ હોય એ પણ શક્ય છે. 

ઇઝરાયલની શિન બેટ, મોસાદ, સેના અને ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટ્રી સહિત ઘણી એજન્સીઓ આ પાસાની તપાસ કરી રહી છે ને એ સત્ય બહાર લાવશે એવી આશા રાખીએ પણ હમામીની સંડોવણીએ દુનિયા પર જિહાદના નામે ચાલતા મુસ્લિમ આતંકવાદનો ખતરો કેટલો મોટો છે એ ફરી સ્પષ્ટ કરી દીધું છે. નાઈન ઈલેવનના હુમલાએ દુનિયાને અહેસાસ કરાવેલો કે, ધર્માંધ મુસ્લિમો કટ્ટરવાદી માનસિકતાના કારણે કોઈ પણ હદે જતાં વિચાર કરતા નથી. કોઈને કલ્પના પણ ના આવે એ રીતે પ્લેનને ક્રેશ કરીને મોટી તબાહી વેરીને અલ કાયદાએ દુનિયાને હતપ્રભ કરી નાખેલી. 

અમેરિકાએ અલ કાયદાને નાથવા માટે જોરદાર અભિયાન ચલાવ્યું. અલ કાયદાને પનાહ આપનારા તાલિબાનોને તબાહ કરી નાખવા માટે અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરી નાખ્યું, ઓસામા બિન લાદેનને મારી નાંખ્યો છતાં 25 વર્ષ પછી એ જ મોડસ ઓપરેન્ડીથી ઈઝરાયલમાં તબાહી વેરવાનો કારસો રચાયો. 

આ વાત પરથી શું સમજવાનું? એ જ કે, માણસો મરી જાય છે ને સંગઠનો પણ ખતમ થઈ જાય છે પણ વિચારધારા મરતી નથી. અલ કાયદા સહિતનાં કટ્ટરવાદી અને ધર્માંધ મુસ્લિમ સંગઠનોએ દુનિયા પર ઈસ્લામનો ઝંડો ફરકાવવાની વિચારધારાનું ઝેર કાઢવું શક્ય નથી. આ ઝેરનું મારણ, કટ્ટરવાદી અને ધર્માંધ મુસ્લિમ સંગઠનો સામે એક થઈને લડવું જ છે. આખી દુનિયાએ કટ્ટરવાદી અને ધર્માંધ મુસ્લિમ સંગઠનો પર તૂટી પડવું પડે, તેમનો સફાયો કરી નાખવો પડે ને એવો ખૌફ પેદા કરવો પડે કે હવે પછી આ રવાડે ચડ્યા તો કોઈ તમને નહીં બચાવી શકે. 

પાકિસ્તાન કે સઉદી અરેબિયા સહિતનાં કટ્ટરવાદી અને ધર્માંધ મુસ્લિમ સંગઠનોને પોષતા દેશ હોય કે અલ કાયદા કે ઈસ્લામિક સ્ટેટ કે હમાસ જેવાં સંગઠનો હોય, બધાંના ભુક્કા કાઢી નાંખવા પડે. આ ઉપાય નહીં અજમાવાય તો અત્યારે ઈઝરાયલ જતી ફ્લાઈટમાં થયું એવું કાલે ભારત આવતી ફ્લાઈટમાં થશે ને પરમ દિવસે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઈટમાં થશે. ને દરેક વાર હમામી જેવા હરામી નિષ્ફળ જાય ને કેપ્ટન સ્મિત જેવો સુપર હીરો લોકોને બચાવી લે એવું ના પણ બને.