Tue Oct 06 2026

Logo

આ કારણે 27મી સપ્ટેમ્બરે પણ ખૂલી રહેશે બેંકો; RBI અને સરકારનો માસ્ટરસ્ટ્રોક...

2026-09-23 15:09:48
Author: Darshana Visaria
આ કારણે 27મી સપ્ટેમ્બરે પણ ખૂલી રહેશે બેંકો; RBI અને સરકારનો માસ્ટરસ્ટ્રોક...

મુંબઈઃ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા અને વેપારી વર્ગના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે બુધવારે ઓફિશિયલ પ્રેસ રીલિઝ જારી કરીને જાહેરાત કરી છે કે આગામી રવિવાર, 27મી સપ્ટેમ્બર, 2026ના રોજ દેશની તમામ જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) સામાન્ય કામકાજના દિવસોની જેમ જ ખુલ્લી રહેશે.

26મી સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને ત્યારબાદ ત્રણ દિવસની હડતાળ હોવાથી સતત પાંચ દિવસ બેંકિંગ સેવાઓ ઠપ થવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

સતત પાંચ દિવસ બેંકો બંધ રહેવાના જોખમ સામે સરકારનો માસ્ટરસ્ટ્રોક:

બેંક યુનિયનોની 28 થી 30 સપ્ટેમ્બરની હડતાળ વીકેન્ડ (ચોથો શનિવાર અને રવિવાર)ની રજાઓ સાથે જોડાતાં સામાન્ય નાગરિકો, નોકરિયાતો અને વેપારીઓ માટે નાણાકીય લેવડદેવડ કરવી અત્યંત મુશ્કેલ બની જવાની હતી. લોકોની આ મુશ્કેલી નિવારવા માટે સરકારે 27 સપ્ટેમ્બર રવિવારના દિવસે બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે, જેથી ગ્રાહકો રોકડ ઉપાડ, ચેક ક્લિયરિંગ, ડિપોઝિટ અને અન્ય જરૂરી કામકાજ કોઈપણ અડચણ વગર પતાવી શકે.

RBIએ તમામ શાખાઓ, એટીએમ ખુલ્લા રાખવાની આપી મંજૂરી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પણ 27મી સપ્ટેમ્બરે બેંક બ્રાન્ચ, વહીવટી કચેરીઓ, એટીએમ-લિંક્ડ બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટ (Currency Chests)ને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રાખવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ વ્યવસ્થાથી એટીએમ મશીનોમાં રોકડની તંગી સર્જાશે નહીં અને રવિવારે જ તમામ મશીનોમાં પૂરતી કેશ લોડ કરી શકાશે.

"ગ્રાહકોનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા": નાણાં મંત્રાલય

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી નાણાં મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંક ગ્રાહકોની સુખાકારી અને આર્થિક સુરક્ષા સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. સરકારે અને બેંક મેનેજમેન્ટે યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચવા કે ટાળવા માટે અપીલ કરી છે, સાથે જ એ સુનિશ્ચિત કર્યું છે કે સામાન્ય જનતા માટે આવશ્યક બેંકિંગ સેવાઓ કોઈપણ વિક્ષેપ વગર ચાલુ રહે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી અત્યારે જ તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સાથે શેર કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...