મુંબઈઃ ઘાટકોપરમાં ઘણા વર્ષો બાદ નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું હતું ત્યારે ઘાટકોપરના ખેલૈયાઓ માટે એક આઘાતજનક સમાચાર મળ્યા છે. 20 સપ્ટેમ્બરના ઘાટકોપર ઈસ્ટ ખાતે રાસરંગ 2026 નવરાત્રિનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને ઘણા વર્ષો બાદ ઘાટકોપરમાં નવરાત્રીનું આયોજન થયું હોવાને કારણે ઘાટકોપરવાસીઓ તથા ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ હતો ત્યારે જાણીતા સિંગર દિલેશ દોશી(52)ના અવસાનના સમાચાર થી ઘાટકોપરના ખેલૈયાઓ તથા સંગીત જગતમાં શોકની લહેર પસરી ગઈ છે.
ગયા ગુરુવારે કાલિદાસ સભાગૃહ ખાતે એક કાર્યક્રમ દરમયાન દિલેશ દોશીને અચાનક બ્રેઇનસ્ટ્રોક આવવના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું નિધન થયું હતું. તેઓ મુંબઈ માં કાંદિવલી ખાતે રહેતા હતા.આ બાબતે રાસરંગ 2026ના આયોજક જિતેન્દ્ર મહેતા એ જણાવ્યું હતું કે આ ખરેખર ખૂબ દુઃખદ સમાચાર છે પણ ઘાટકોપરમાં નવરાત્રીનું આયોજન કૅન્સલ નહીં કરવામાં આવે અને દિલેશ દોશીના સ્થાને હર્ષિત ચૌહાણ સાથે આ કાર્યક્રમ થશે.