નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણીને લઈને નોટિસ ફટકારી છે. આ ટિપ્પણીને ચૂંટણીના નિયમોનું સંભવિત ઉલ્લંઘન ગણાવતા ચૂંટણી પંચે મલ્લિકાર્જુન ખડગે પાસેથી 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે ખડગેએ 21 એપ્રિલ, મંગળવારના ચેન્નઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'આતંકવાદી' કહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ અને અન્ય ઘણા ભાજપ નેતાઓના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને આ મામલે ખડગે વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે મલ્લિકાર્જુન ખડગે 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે.
આ નોટિસ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાનના એક દિવસ પહેલા આપવામાં આવી છે. ખડગેએ મંગળવારે વડા પ્રધાન મોદી પર સરકારી તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને "આતંકિત" કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી હતી, જેમાં મોદીને "આતંકવાદી" કહેવા બદલ વિપક્ષી નેતા પર પ્રહારો કર્યા હતા.
ચેન્નઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ખડગેએ વડાપ્રધાનને "આતંકવાદી" ગણાવ્યા હતા જ્યારે ભાજપ સાથે એઆઈએડીએમકેના ગઠબંધનની ટીકા કરી હતી. પેરિયાર અને સી.એન. અન્નાદુરાઈની દ્રવિડ વિચારધારાઓ પર આધારિત એઆઈએડીએમકે વડા પ્રધાન મોદી સાથેના ગઠબંધનને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે છે તે અંગે પ્રશ્ન ઉઠાવતા ખડગેએ કહ્યું હતું કે "આ એઆઈએડીએમકેના લોકો જેમણે પોતે અન્નાદુરાઈની તસવીર લગાવે છે તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે છે? તે એક આતંકવાદી છે. તે સમાનતામાં માનતા નથી. તેમનો પક્ષ સમાનતા અને ન્યાયમાં માનતો નથી."
જોકે, પત્રકારો દ્વારા ટિપ્પણીના સંદર્ભમાં સ્પષ્ટતા કરવાનું કહેતા ખડગેએ કહ્યું કે તેમનો અર્થ એ હતો કે વડા પ્રધાન દેશના લોકશાહી માળખાને "આતંકિત" કરી રહ્યા છે. તેઓ લોકો અને રાજકીય પક્ષોને આતંકિત કરી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. તે તેમની શક્તિ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે અને વિરોધી પક્ષોને બદનામ કરી રહ્યા છે."