મુંબઈ: ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલી 26 વ્યક્તિમાંથી એક ટટ્ટુ સવારીનું કામ કરનારા સૈયદ આદિલ હુસૈન શાહનું બલિદાન ઇતિહાસમાં અંકિત છે અને દેશ તેને ક્યારેય ભૂલી શકશે નહીં એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
મંગળવારે શહીદ શાહના પરિવારને એક નવું બાંધવામાં આવેલું ઘર સોંપવામાં આવ્યું હતું. શિંદેએ આ ઘર આપવાને ફક્ત આશ્રય આપવાને બદલે બહાદુરના બલિદાનનું સન્માન ગણાવ્યું હતું. ગયા વર્ષે 22 એપ્રિલે લોકપ્રિય પર્યટન સ્થળ બૈસરન ખીણમાં આતંકવાદીઓના એક જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 25 સહેલાણીઓ સાથે આદિલ શાહએ જીવ ગુમાવ્યો હતો.
હુમલા દરમિયાન શાહએ એક આતંકવાદીની રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કરતા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ શિવસેનાના અધ્યક્ષ શિંદેએ તેમના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી ઘર આપવાનું પણ વચન આપ્યું હતું.
મંગળવારે શિવસેનાના પ્રધાનો યોગેશ કદમ અને સંજય શિરસાટે શિંદેના માર્ગદર્શક આનંદ દિઘેની યાદમાં 'આનંદ નાથ સદન' નામના નવા ઘરની ચાવી પહલગામના તેમના વતન હપટનાર ગામમાં શાહના પરિવારને સોંપી હતી.
આ પ્રસંગે ભાવુક થઈ ગયેલા આદિલ શાહની બહેન અને ભાઈએ શિંદે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કહ્યું હતું કે 'એકનાથ શિંદેએ આપેલું વચન પૂર્ણ કર્યું. તેમણે અમને નાણાકીય સહાય કરી અને અમને ઘર પણ બનાવી આપ્યું. આ ઘર અમારા માટે ફક્ત આશ્રય નથી, સન્માન અને આધાર છે.'
(પીટીઆઈ)