Mon Oct 05 2026

Logo

‘દૃશ્યમ 3’નો બોક્સ ઓફિસ પર ધમાકો, માત્ર બે દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી; વર્લ્ડવાઇડ કમાણી 177 કરોડને પાર

2026-10-04 08:52:00
Author: Mumbai Samachar Team
‘દૃશ્યમ 3’નો બોક્સ ઓફિસ પર ધમાકો, માત્ર બે દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી; વર્લ્ડવાઇડ કમાણી 177 કરોડને પાર

મુંબઈ: અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કર્યા બાદ બીજા જ દિવસે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર કમાણી કરી હતી અને હવે બીજા દિવસની કમાણી સાથે ફિલ્મે ભારતમાં 100 કરોડનો આંકડો વટાવી દીધો છે. 

'દ્રશ્યમ 3' ની બીજા દિવસનું કલેક્શન 
એક આંકડા અનુસાર, ‘દૃશ્યમ 3’એ બીજા દિવસે એટલે કે શનિવારે ભારતમાં અંદાજે 53 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. પ્રથમ દિવસે ફિલ્મે આશરે 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ બે દિવસમાં ફિલ્મનું ભારતનું નેટ કલેક્શન અંદાજે 115.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. 

દુનિયાભરમાં કેટલી કમાણી કરી?
વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે માત્ર બે દિવસમાં 177 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી છે. બીજા દિવસે વિદેશી બજારમાંથી ફિલ્મે અંદાજે 20 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને બે દિવસનું ઓવરસીઝ કલેક્શન આશરે 38.50 કરોડ રૂપિયા થયું છે. ફિલ્મના પહેલા દિવસના આંકડા પણ ફિલ્મ માટે ખાસ રહ્યા હતા. ‘દૃશ્યમ 3’એ શરૂઆતના દિવસે ભારતમાં આશરે 62 કરોડ રૂપિયા કમાણી કરી, જ્યારે વર્લ્ડવાઇડ કમાણી 95 કરોડ રૂપિયા રહી હતી. આ સાથે તે અજય દેવગણની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે.

ફિલ્મ વિશે જાણકારી 
‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’નું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર વિજય સાલગાંવકરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેમની સાથે તબુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર, પ્રકાશ રાજ અને જયદીપ અહલાવત સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને હિન્દી ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીનો અંતિમ ભાગ માનવામાં આવી રહ્યો છે. આ ત્રીજા ભાગમાં વિજય સાલગાવકર અને તેના પરિવારની કહાની આગળ વધે છે. તપાસ આગળ વધતી જોવા મળે છે, જ્યાં એક સીબીઆઈ અધિકારીની એન્ટ્રી થાય છે અને ફરી એકવાર સાલગાવકર પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. 

ફિલ્મ નિર્દેશક વિશે 
આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક પાઠક છે. પહેલી બે ફિલ્મોમાં દ્રશ્યમનું ઓરીજીનલ વર્ઝન તેણે ફોલો કર્યું હતું. જે એક મલયાલમ ફિલ્મ પરથી લેવામાં આવ્યું હતું. જો કે ત્રીજા ભાગ માટે અજય દેવગણ અને ડાયરેક્ટર અભિષેક પાઠકે કહાની પુરી કરવા માટે નવો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. આથી આ ફિલ્મનો ત્રીજો ભાગ મલયાલમ ફિલ્મની કહાનીને અનુસરતો નથી.