Mon Oct 05 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી હુમલાની મોટી ધમકી, કહ્યું ઈરાને પાડોશી દેશો સમક્ષ આત્મ સમપર્ણ કર્યું

Washington   2026-03-07 19:33:17
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી હુમલાની મોટી ધમકી, કહ્યું ઈરાને પાડોશી દેશો સમક્ષ આત્મ સમપર્ણ કર્યું

વોશિંગ્ટન : મિડલ ઇસ્ટમાં હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલુ છે. ત્યારે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક નિવેદન બહાર પાડીને ઈરાન પર મોટા હુમલાની ધમકી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને માફી માંગી છે અને મધ્ય પૂર્વીય પાડોશીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. તેમજ તેમની ફરીથી હુમલો નહીં કરવાનું વચન પણ આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વચન ફક્ત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત હુમલાઓને કારણે આપવામાં આવ્યું છે. 

ઈરાન તરફથી પાડોશી રાષ્ટ્રની માફી માગું છું

આ પૂર્વે ઈરાનના  રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, હું મારા તરફથી અને ઈરાન તરફથી પાડોશી રાષ્ટ્રની માફી માગું છું જેને અમે આ યુદ્ધ દરમિયાન ટાર્ગેટ કર્યા. ઈરાનના હાઈકમાન્ડે એવી પોલીસી નક્કી કરી છે જેમાં પાડોશી દેશ પર કોઈ પ્રકારે હુમલો કરવામાં નહીં આવે. જ્યાં સુધી પાડોશી રાષ્ટ્ર ઈરાન પર કોઈ હુમલો નહીં કરે ત્યાં સુધી ઈરાન પણ કોઈ દેશને નુકસાન નહીં પહોંચાડે. ઈરાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનિર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. મુનિરે સાઉદી અરેબિયાના રક્ષામંત્રી ખાલિદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી.

ઈરાની સેનાએ નિવેદન બહાર પાડીને ચેતવણી આપી

જોકે, આ નિવેદન બાદ ઈરાની સેનાએ નિવેદન બહાર પાડીને ચેતવણી આપી હતી કે જો ઈરાન પર હુમલા ચાલુ રહેશે. તો તમામ યુએસ-ઇઝરાયલી લશ્કરી થાણાઓ અને હિતોને પ્રાથમિક લક્ષ્ય ગણવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, મીડિયા અહેવાલમાં ઇઝરાયલી સૈન્યને ટાંકીને જણાવ્યું હતું કે 80 ફાઇટર જેટ્સે રાત્રે ઇરાન પર 230 બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક સ્થળોએ મોટા વિસ્ફોટ થયા હતા.