Tue Oct 06 2026

Logo

ધારીના દિતલા ગામે ધોધમાર વરસાદથી બચવા સાવજે મકાનની ઓસરીમાં જમાવી બેઠક, વીડિયો થયો વાયરલ

2026-09-25 10:24:28
Author: Mayur Patel
ધારીના દિતલા ગામે ધોધમાર વરસાદથી બચવા સાવજે મકાનની ઓસરીમાં જમાવી બેઠક, વીડિયો થયો વાયરલ

ધારી: અમરેલી જિલ્લામાં સિંહના કોઈને કોઈ વીડિયો વાયરલ થતા હોય છે. આવો જ વધુ એક વીડિયો અમરેલીના ધારી પંથકમાંથી સામે આવ્યો છે. ધારી તાલુકાના દિતલા ગામે ધોધમાર વરસાદથી બચવા માટે એક  સિંહ રહેણાંક મકાનમાં આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, દિતલા ગામથી નેસડી તરફ જવાના રસ્તા પર આવેલા વાડી વિસ્તારમાં રમેશભાઈ સાવલિયાનું મકાન આવેલું છે. આ પંથકમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં, વરસાદના પાણી અને પવનથી બચવા માટે એક સાવજ આશરો શોધતો શોધતો રમેશભાઈના મકાનમાં આવી પહોંચ્યો હતો. ઘરની ઓસરીમાં અચાનક ડાલામથ્થા સિંહને જોઈને હાજર પરિવારજનો અને આસપાસના લોકોમાં થોડીવાર માટે ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

સિંહ કોઈપણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કર્યા વગર શાંતિથી ઘરના એક ખૂણામાં બેસી રહ્યો હતો. વરસાદનું જોર ઘટતાં અને વાતાવરણ શાંત થતાં સિંહ પોતે જ કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર ધીમે પગલે મકાનમાંથી બહાર નીકળીને સીમ વિસ્તાર તરફ રવાના થઈ ગયો હતો. સિંહ બહાર નીકળી જતાં સ્થાનિક લોકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

ઘરમાં શાંતિથી બેઠેલા સાવજનો આ દુર્લભ નજારો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગીર કાંઠાના આ વિસ્તારમાં સિંહોની કાયમી અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને ખોરાક અને પાણીની શોધમાં વનરાજો અવારનવાર માનવ વસાહતો કે વાડી વિસ્તારોમાં ચડી આવતા હોય છે, પરંતુ વરસાદથી બચવા માટે સિંહે માણસના ઘરમાં આશરો લીધો હોય તેવી આ અનોખી ઘટના હાલ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.