Thu Oct 08 2026

Logo

ધાનેરા બસ આગ દૂર્ઘટના; પોલીસ અને એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચ્યાનો આક્ષેપ

2026-03-13 12:43:00
Author: Vimal Prajapati
ધાનેરા બસ આગ દૂર્ઘટના; પોલીસ અને એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચ્યાનો આક્ષેપ

ધાનેરા, બનાસકાંઠાઃ રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં ધાનેરા નજીક આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનુ મોત થયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે, બસમાં આગ લાગ્યા બાદ એક કલાક સુધી ના તો પોલીસ આવી કે ના એમ્બ્યુલન્સ! એટલે પોલીસ પ્રશાસન પર લોકો સવાલ કરી રહ્યાં છે. આક્ષેપ એવો છે કે, એમ્બ્યુલન્સ સમયસર ના આવી તેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બસમાં ભયાનક આગ લાગી હતી. 

ઘટનાસ્થળથી પોલીસ સ્ટેશન માત્ર 500 મિટર દૂર હોવાનો દાવો

લોકોએ આક્ષેપ કર્યો છે કે, એક અકસ્માત થયો ત્યાંથી પોલીસ સ્ટેશન માત્ર 500 મિટર દૂર હોવા છતાં પણ પોલીસ સમયસર આવી નહોતી. માત્ર પોલીસ જ નહીં પરંતુ એમ્બ્યુલન્સ પણ એક કલાક સુધી ઘટનાસ્થળ પર પહોંચી નથી. પ્રશાસનની આવી બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ ઘટનાનો વીડિયો લોકોએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. 

એક વ્યક્તિનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા

બસમાં લાગેલી આગના કારણે એક વ્યક્તિનું મોત થયું અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બસમાં કુલ 16 લોકો સવાર હતા, જેઓ નાચનાથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. આ ખાનગી બસ જેસલમેરના નાચનાથી અમદાવાદ જઈ રહી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ધાનેરા-નેનાવા બોર્ડર પાસે બસમાં આગ લાગી હતી.

લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો

બસમાં આગ લાગી હોવાના કારણે મોટાભાગના લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જે યાત્રીઓ દાઝ્યા હતા તેમને ધાનેરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અહીં પ્રાથમિક સારવાર આવ્યાં બાદ તેમને પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અત્યારે આ ઘટનાની ચર્ચા માત્ર એટલી જ છે કે, પોલીસ અને એમ્બ્યુલન્સ સમયસર કેમ ના પહોંચી?