Tue Oct 06 2026

Logo

પતિની મારપીટથી કંટાળી મહિલાએ પહેલા પોતાને આગ ચાંપી, પછી 8 મહિનાના માસુમ બાળકને ગળે વળગાડી કૂદી ગઈ

2026-09-10 21:35:56
Author: Mumbai Samachar Team
પતિની મારપીટથી કંટાળી મહિલાએ પહેલા પોતાને આગ ચાંપી, પછી 8 મહિનાના માસુમ બાળકને ગળે વળગાડી કૂદી ગઈ

ધનબાદ: ઝારખંડના ધનબાદમાંથી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય મહિલા સહાના પરવીને પોતાના આઠ મહિનાના માસુમ બાળકને સાથે લઈને બંનેને આગ ચાંપી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આગ લગાવ્યા બાદ મહિલા બાળકને લઈને છત પરથી નીચે કૂદી ગઈ, જેનાથી બંને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા અને બંનેનો જીવ બચાવવાની કોશિશ કરી હતી.

ઓફિસનો પતરાનો શેડ તૂટતાં ટેબલ પર પડ્યા માતા-પુત્ર 

આગની લપેટમાં આવ્યા બાદ સહાના પરવીને પોતાના બાળકને છાતીએ વળગાડીને એડવોકેટની ઓફિસ ઉપરથી છલાંગ લગાવી હતી. બંનેના નીચે પડવાથી કાર્યાલયનું પતરું તૂટી પડતા તે અંદર રાખેલા ટેબલ પર પડ્યા હતા. ઘટના ભૂલી થાણા વિસ્તારના વાસેપુર, આઝાદનગરની છે. સ્થાનિકોની મદદથી મહિલા અને તેના માસુમ બાળકને તાત્કાલિક  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આગના કારણે બંને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસ આ મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે અને ઘટનાથી જોડાયેલા લોકો સાથે પૂછપરછ સાથે અન્ય બાબતોની તપાસ કરી રહી છે. 

મહિલાના પિતાએ શું આરોપ લગાવ્યો?

ઈજાગ્રસ્ત મહિલાના પિતાએ પોતાના જમાઈ અને સસરા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાના પિતાના જણાવ્યા અનુસાર તેમની દીકરીના સાસરે વિવાદ ચાલી રહ્યો હતો અને ઘટનાના એક દિવસ પહેલા તેમની દીકરી સાથે તેના પતિ રાજા અંસારીએ મારપીટ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેમની દીકરી અને બાળકને આગ લગાવીને છત પરથી ધક્કો મારી દીધો છે. મહિલાના પિતા પોલીસ પ્રસાશનના મામલાની નિષ્પક્ષ તપાસ કરી દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. 

આરોપો પર પતિએ શું કહ્યું?

બીજી તરફ મહિલાના પતિ રાજા અંસારીએ પોતાના પર લાગેલા દરેક આરોપ ફગાવી દીધા છે. રાજા અંસારીનું કહેવું છે કે ઘટના સમયે તે ઘરે હાજર નહોતો. પોતાના માતાપિતા સાથે ઘરની બહાર સામાન લાવવા ગયો હતો. જયારે તે ઘરે પરત ફર્યા તો ઘરની બહાર ભીડ લાગેલી હતી. 

સસરા પક્ષનું નિવેદન 

મહિલાની સાસુ અને સસરાએ પણ ઘટના સમયે ઘર પર હાજર ન હોવાની વાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર જયારે તેઓ પરત ઘરે પહોંચ્યા ત્યારે ઘર બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. તેમને ઘટનાની જાણકારી ત્યારે મળી હતી. સાસુ-સસરાના જણાવ્યા મુજબ તેમની વહુએ પોતાના બાળકના શરીરમાં આગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. 

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આખરે મહિલાએ પોતાના માસુમ બાળક સાથે આગ કેમ લગાવી? શું આ પારિવારિક વિવાદથી જોડાયેલો મામલો છે? શું મહિલાએ પોતે આગ લગાવી કે પછી તેની સાથે કોઈ મારપીટ કે જબરદસ્તી કરવામાં આવી? આ તમામ સવાલોનો જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.