Mon Oct 05 2026

Logo

દાયરા મૂવી રિવ્યૂ: કરીના અને પૃથ્વીરાજની ફિલ્મ દર્શકોને પસંદ પડી પણ અમુક સવાલો અનુત્તર રહ્યા, કેમ?

2026-09-18 20:07:42
Author: Mumbai Samachar Team
દાયરા મૂવી રિવ્યૂ: કરીના અને પૃથ્વીરાજની ફિલ્મ દર્શકોને પસંદ પડી પણ અમુક સવાલો અનુત્તર રહ્યા, કેમ?

મુંબઈ: કેટલીક ફિલ્મો તમે તેની સ્ટોરી કે લોકપ્રિયતાને માટે જુઓ છો. કેટલીક ફિલ્મો કલાકારોના કારણે, પણ અમુક એવી ફિલ્મો હોય છે, જેમાં દિગ્દર્શકનું નામ જ તમને સીધા થિયેટર સુધી લઈ જવા માટે પૂરતું હોય છે. મેઘના ગુલઝાર આવી જ શ્રેણીમાં આવે છે. ‘રાજી’ અને ‘સેમ બહાદુર’ જેવી ફિલ્મો બાદ મેઘના ગુલઝારે રિયાલિટી સાથે જોડાયેલી એવી સ્ટોરી રજૂ અને દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી છે, જેના અંગે દર્શકો પણ ચોક્કસ પ્રતિક્રિયા આપે છે.

‘દાયરા’ પણ આવી જ અપેક્ષાઓ સાથે રજૂ છે. ફિલ્મની કાસ્ટિંગ પણ શરૂઆતથી જ ધ્યાન ખેંચે છે. પોતાના કરિયરના 25 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી કરીના કપૂર ખાન આ વખતે એક પડકારજનક ભૂમિકામાં જોવા મળે છે. બીજી તરફ, મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન એક એવા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે એક વિવાદાસ્પદ એન્કાઉન્ટર કેસના કેન્દ્રમાં છે. તો શું ‘દાયરા’ પોતાના દિગ્દર્શક અને કલાકારો સાથે જોડાયેલી અપેક્ષાઓ પર ખરી ઉતરે છે? મોટા ભાગે, હા.

‘દાયરા’ની શરૂઆત ડીસીપી રમણ કુમારથી થાય છે, જેની ભૂમિકા પૃથ્વીરાજ સુકુમારને ભજવી છે. રમણને શરૂઆતમાં એક હીરો તરીકે રજૂ કરવામાં આવે છે. તેની ટીમે એવા ચાર લોકોને ઠાર કર્યા છે, જેમના પર 24 વર્ષની રાગિની પુજારી સાથે નિર્દયતાથી મારપીટ અને દુષ્કર્મ કર્યા બાદ તેને સળગાવીને તેના અવશેષો દિલ્હી હાઇવે નજીક ફેંકી દેવાનો આરોપ હતો. સામાન્ય લોકો માટે આ ઘટનાને ન્યાય મળવા જેવી રીતે જોવામાં આવે છે. પરંતુ આ એન્કાઉન્ટરને લઈને એક મોટો સવાલ ઊભો થાય છે, શું ખરેખર આ ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા કે પછી સમગ્ર ઓપરેશન પહેલેથી જ રચવામાં આવ્યું હતું?

આ જ સવાલ ડીસીપી અજૂની કોહલીને વાર્તાના કેન્દ્રમાં લાવે છે. કરીના કપૂર ખાને અજૂનીની ભૂમિકા ભજવી છે. તે ઇન્ટરનલ વિજિલન્સ વિભાગનો ભાગ છે અને તેને આ એન્કાઉન્ટરની તપાસની જવાબદારી સોંપવામાં આવે છે. અજૂની પોતાની ટીમ સાથે સૂર્યાપુર પહોંચે છે અને ચારેય આરોપીઓના મોત સુધી પહોંચેલી ઘટનાઓની ફરીથી તપાસ શરૂ કરે છે. ત્યાર બાદ ફિલ્મ કોઈ સીધા અને સરળ જવાબની શોધ કરતાં કેસની એક પછી એક પરતો ખોલવા પર વધુ ધ્યાન આપે છે.

જેમ જેમ અજૂની તપાસ આગળ વધારે છે, તેમ ફિલ્મ રાગિની સાથે શું થયું, એન્કાઉન્ટરની પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને તેમાં સામેલ પોલીસ અધિકારીઓની ભૂમિકા શું હતી? જોકે અમુક સવાલના જવાબો મળતા નથી. ફિલ્મની સ્ટોરી 2019માં હૈદરાબાદમાં બનેલા દુષ્કર્મ અને હત્યાના કેસ તથા ત્યારબાદ આરોપીઓના એન્કાઉન્ટરની ઘટનાની કેટલીક સમાનતાઓ પણ દર્શાવે છે.

કલાકારોનું પરફોર્મન્સ

કરીના કપૂર ખાન ‘દાયરા’ની સૌથી મજબૂત કડીઓમાંથી એક છે. અજૂનીને કોઈ અસાધારણ કે સુપરકોપ પોલીસ અધિકારી તરીકે રજૂ કરવામાં આવી નથી. તેના ભાગે ન તો રસપ્રદ લાંબા સંવાદો છે અને ન તો કોઈ નાટકીય સ્લો-મોશન એન્ટ્રી. તે શાંત, સજાગ અને પોતાની સામે રહેલા કામ પર સંપૂર્ણપણે ધ્યાન આપે છે. કરીના સમજે છે કે આ પાત્ર માટે સંયમ કેટલો જરૂરી છે. તે અજૂનીને જરૂર કરતાં વધુ હીરો બનાવવાનો પ્રયાસ કરતી નથી. તેના બદલે તેની હાજરી અને ચહેરાના હાવભાવ ફિલ્મમાં તણાવ જાળવી રાખે છે. કેટલાક સ્થળોએ એવું લાગે છે કે આ પાત્રને થોડું વધુ વિસ્તારી શકાયું હોત. તેમ છતાં, કરીનાને જે મળ્યું છે તેમાં તે પોતાની અસર છોડવામાં સફળ રહે છે.

પૃથ્વીરાજ સુકુમારન પણ રમણ કુમારની ભૂમિકામાં એટલા જ અસરકારક છે. શરૂઆતથી જ સ્પષ્ટ થઈ જાય છે કે રમણ કઈ વિચારધારા સાથે ઊભો છે. તેનું માનવું છે કે સિસ્ટમ રાગિનીને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે અને જો કંઈ બદલાશે નહીં તો ભવિષ્યમાં બીજી કોઈ મહિલા સાથે પણ આવું બની શકે છે. રસપ્રદ બાબત એ છે કે ફિલ્મ દર્શકોને રમણ સાથે આંખ બંધ કરીને સહમત થવાનું કહેતી નથી. સાથે જ તેને એકતરફી વિલન પણ બનાવવામાં આવ્યો નથી.પૃથ્વીરાજ રમણના પાત્રને એટલી દૃઢતાથી ભજવે છે કે તેની વિચારસરણીને સમજવી સરળ બને છે, ભલે તમે તેની પદ્ધતિઓ સાથે સહમત ન હો. પાત્રમાં રહેલું આ સંતુલન સારી રીતે કામ કરે છે.

જિતેન્દ્ર જોશી હંમેશની જેમ વિશ્વસનીય લાગે છે અને પોતાની સહાયક ભૂમિકાને અસરકારક બનાવે છે. રમણના વરિષ્ઠ અધિકારીની ભૂમિકામાં બિસ્વપતિ સરકારનો સ્ક્રીન ટાઇમ મર્યાદિત છે, પરંતુ જ્યારે પણ તેઓ પડદા પર આવે છે ત્યારે પોતાની છાપ છોડી જાય છે. કંવલજીત સિંહે અજૂનીના પિતાની ભૂમિકા ભજવી છે, પરંતુ તેમના પાત્રને એટલો સમય મળતો નથી કે તે કોઈ ખાસ અસર છોડી શકે. બીજી તરફ, ક્ષિતિ જોગ રાગિનીની માતાની ભૂમિકામાં અલગ છાપ છોડે છે. તેમના પાત્રના દુઃખને ક્યાંય પણ જરૂર કરતાં વધુ નાટકીય બનાવવામાં આવ્યું નથી અને કદાચ આ જ કારણ છે કે તેમની પરફોર્મન્સ વધુ અસર કરે છે.

મેઘના ગુલઝારનું દિગ્દર્શન

મેઘના ગુલઝાર એવા ફિલ્મમેકર નથી, જે દર્શકોને દરેક વાત સીધી અને સ્પષ્ટ રીતે સમજાવી દે. ‘દાયરા’માં પણ તેમનો આ અભિગમ જોવા મળે છે. તેમના દિગ્દર્શનની સૌથી મોટી તાકાત અજૂની અને રમણ વચ્ચે સતત ચાલતો વૈચારિક સંઘર્ષ છે. તેમની વચ્ચેની ચર્ચાઓ માત્ર હીરો અને વિલન નક્કી કરવા માટે નથી. તેના બદલે ફિલ્મ વારંવાર દર્શકને પોતાના બનાવેલા અભિપ્રાય પર ફરી વિચારવા મજબૂર કરે છે. જ્યારે પણ તમને લાગે છે કે તમે તમારો અભિપ્રાય બનાવી લીધો છે, ત્યારે વાર્તાનો બીજો એક દૃષ્ટિકોણ સામે આવે છે. અને અહીં ‘દાયરા’ સૌથી વધુ અસરકારક લાગે છે.

ફિલ્મ તમને વિચારવા મજબૂર કરે છે કે શું ન્યાય અને કાયદાને હંમેશા એક જ દૃષ્ટિકોણથી જોવા જોઈએ? શું ન્યાય મેળવવા માટે કાયદાની સીમાઓથી આગળ જવું યોગ્ય છે? શું ‘દાયરા’ મેઘના ગુલઝારની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે? કદાચ નહીં. આ ફિલ્મ તેમની અગાઉની કેટલીક ફિલ્મો જેટલી અસર છોડી શકતી નથી. તેમ છતાં, તે એક મજબૂત અને વિચારવા મજબૂર કરતું ક્રાઇમ ડ્રામા છે, જે ફિલ્મ પૂરી થયા બાદ પણ તમારા મનમાં રહે છે.

શું કામ કરે છે?

ફિલ્મની સૌથી મોટી ખાસિયતોમાં તેની પરફોર્મન્સનો સમાવેશ થાય છે. કરીના અને પૃથ્વીરાજ બે અલગ પ્રકારની ઊર્જા લઈને આવે છે અને બંને વચ્ચેનો સંઘર્ષ વાર્તાને સતત આગળ ધપાવે છે. ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે તે સરળ જવાબ આપવાનું ટાળે છે. તે સીધી રીતે તમને કહેતી નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું. તેના બદલે તે ન્યાય, પોલીસ વ્યવસ્થા અને સિસ્ટમને લઈને કેટલાક અસ્વસ્થ કરનારા સવાલો સામે મૂકે છે.

ફિલ્મનો તણાવ પણ તેની મજબૂત કડી છે. કેટલાક ભાગોમાં વાર્તાની ગતિ થોડી ધીમી પડે છે, પરંતુ તેમ છતાં સતત એવું અનુભવાય છે કે કંઈક એવું છે જે કોઈપણ ક્ષણે સામે આવી શકે છે.નિશ્ચિતપણે મેઘના ગુલઝારનું ટ્રીટમેન્ટ વાર્તાને જરૂરી ગંભીરતા આપે છે, પરંતુ ફિલ્મ કોઈ લેક્ચર જેવી લાગતી નથી. અહીં સૌથી સારી વાત એ છે કે ‘દાયરા’ તમને શું વિચારવું જોઈએ તે જણાવવાની ઉતાવળ કરતી નથી. તે બે સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણ તમારી સામે મૂકે છે અને તેમના ટકરાવને વાર્તાને આગળ વધારવા દે છે.

ક્યાં નબળી પડે છે?

ફિલ્મ ખામીઓથી સંપૂર્ણપણે મુક્ત નથી. કેટલાક પાત્રોને પૂરતી રીતે વિકસાવવામાં આવ્યા નથી, ખાસ કરીને જ્યારે આ ભૂમિકાઓ ભજવનારા કલાકારોની ક્ષમતાને જોવામાં આવે. ફિલ્મના કેટલાક ભાગોમાં ગતિ પણ થોડી વધુ સારી હોઈ શકતી હતી. કેન્દ્રીય તપાસની વાર્તા ફિલ્મને જકડી રાખવા માટે પૂરતી મજબૂત છે, પરંતુ કેટલીક જગ્યાએ આગામી મહત્વપૂર્ણ ઘટનાક્રમ સુધી પહોંચવામાં ફિલ્મ જરૂર કરતાં વધુ સમય લેતી હોય એવું લાગે છે.

કરીનાનું અજૂનીનું પાત્ર પણ ફિલ્મના સૌથી રસપ્રદ પાત્રોમાંનું એક છે, પરંતુ તેમાં વધુ ઊંડાણ ઉમેરી શકાયું હોત. એવું લાગે છે કે અજૂનીના પાત્રમાં આના કરતાં ઘણું વધુ શોધી શકાયું હોત, જેને ફિલ્મ સંપૂર્ણપણે સામે લાવી શકતી નથી.

ફાઇનલ વર્ડિક્ટ

‘દાયરા’ સરળ ફિલ્મ નથી અને મોટા ભાગે આ જ તેનો હેતુ પણ છે. આ માત્ર એક થ્રિલર નથી, પરંતુ એક ક્રાઇમ ડ્રામા છે, જે તમને ન્યાયની વિભાવના પર સવાલ કરવા માટે મજબૂર કરે છે. આ એવી પોલીસ સ્ટોરી નથી જેને માત્ર જોઈને આગળ વધી જવામાં આવે. કરીના કપૂર ખાન પોતાના પાત્રમાં સંયમિત અને અસરકારક છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન નૈતિક રીતે જટિલ પાત્રમાં જરૂરી ગૂંચવણ અને ઊંડાણ લાવે છે. મેઘના ગુલઝાર ફરી એકવાર એવી દુનિયા તૈયાર કરે છે, જ્યાં જવાબો દર્શકોને તૈયાર સ્વરૂપે આપવામાં આવતા નથી.

‘દાયરા’ મેઘના ગુલઝારની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ ભલે ન હોય, પરંતુ તે જે અસ્વસ્થ કરનારા સવાલો અને વિચારો મનમાં છોડી જાય છે, તેના કારણે આ ફિલ્મ ધ્યાન ખેંચે છે અને જોવા જેવી બને છે.