(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી લશ્કરી દળોએ ગઈકાલે ઈરાનનાં તેલનાં પાંચ ટેન્કરનો નાશ કર્યો હતો અને તેનાં વળતા જવાબમાં ઈરાને અમેરિકાના સહયોગી દેશ જોર્ડન પર હુમલો કરતાં પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધવાની ભીતિ હેઠળ આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવે છ મહિનાના સમયગાળા બાદ પહેલી વખત બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવતા ડૉલર સામે રૂપિયો 35 પૈસા પટકાઈને 95ની સપાટી વટાવીને 95.08ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.74ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 94.80ની સપાટીએ ખૂલ્યા બાદ ક્રૂડતેલના ભાવ વધી આવ્યાના નિર્દેશો સાથે સત્ર દરમિયાન નીચામાં 95.22 અને ઉપરમાં ખૂલતી જ 94.80ની સપાટીએ રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 35 પૈસા ગબડીને 95.08ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.05 ટકા વધીને 98.84 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.94 ટકાની તેજી સાથે બેરલદીઠ 100.73 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.
વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 123.19 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જણાતા ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ભૂરાજકીય તણાવમાં વધારો અને ક્રૂડતેલના વધી રહેલા ભાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
વધુમાં આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 813.35 પૉઈન્ટનો અને 203.60 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ ઉમેર્યું હતું.