Mon Oct 05 2026

Logo

અમદાવાદ-વડોદરામાં કૉંગ્રેસનો કકળાટ: વિપક્ષ નેતા નક્કી કરવા દિલ્હીથી નિરીક્ષકો ઉતારાયા

2026-10-03 15:46:00
Author: Mayur Patel
અમદાવાદ-વડોદરામાં કૉંગ્રેસનો કકળાટ: વિપક્ષ નેતા નક્કી કરવા દિલ્હીથી નિરીક્ષકો ઉતારાયા

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ જાહેર થયાના 5 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં અમદાવાદ, વડોદરામાં કૉંગ્રેસ વિપક્ષના નેતા નક્કી કરી શક્યું નથી. પક્ષમાં આંતરિક ખેંચતાણને લઈ હવે કૉંગ્રેસ હાઈકમાન્ડે નેતા નક્કી કરવા દિલ્હીથી નિરીક્ષકો મેદાનમાં ઉતાર્યા છે. મહાનગરપાલિકા સ્તરે વિપક્ષ નેતા નક્કી કરવા દિલ્હીથી હાઈકમાન્ડના પ્રતિનિધિઓ આવે તેવી કૉંગ્રેસના ઈતિહાસમાં આ કદાચ પહેલી ઘટના છે.

કોની થઈ નિરીક્ષક તરીકે નિમણૂક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિરીક્ષક તરીકે રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે 
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિરીક્ષક તરીકે AICCના રાષ્ટ્રીય સેક્રેટરી ગોપીનાથ પલાનીયપનને જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ બંને નિરીક્ષકો સ્થાનિક કોર્પોરેટરો અને હોદ્દેદારો પાસેથી નવેસરથી સેન્સ લઈને પોતાનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે, જેના આધારે આખરી નામોની જાહેરાત કરાશે.

પરિણામોના મહિનાઓ બાદ પણ કોકડું ગૂંચવાયેલું

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 26 એપ્રિલે સંપન્ન થયા બાદ 28 એપ્રિલે તેના પરિણામો જાહેર થયા હતા. ચૂંટણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષ નેતાની પસંદગી માટે સ્થાનિક સ્તરે સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જોકે, બંને મહાનગરપાલિકાઓમાં અલગ-અલગ જૂથો પોતાના માનીતા કોર્પોરેટરને જ વિપક્ષ નેતા બનાવવા માટે અડિંગો જમાવીને બેસી ગયા હતા. પ્રદેશ કક્ષાના નેતાઓ આ ગૂંચવણ ઉકેલવા અનેક વખત દિલ્હી હાઈકમાન્ડ પાસે દોડી ગયા હોવા છતાં વિવાદ શાંત પડ્યો નહોતો.

અમદાવાદ-વડોદરામાં કૉંગ્રેસ પાસે કેટલી બેઠક

અમદાવાદની કુલ 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસને 32 બેઠકો મળી હતી. જ્યારે વડોદરાની કુલ 76 બેઠકોમાંથી ભાજપને 69, કૉંગ્રેસને 6 અને અન્યને 1 બેઠક પ્રાપ્ત થઈ હતી.