Tue Oct 06 2026

Logo

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ પૂર્ણ; આરોગ્ય, ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતની હરણફાળ

2026-09-13 15:43:32
Author: Vimal Prajapati
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ પૂર્ણ; આરોગ્ય, ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતની હરણફાળ

અમદાવાદઃ 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાંચ વર્ષોમાં જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નોલૉજી આધારિત સેવાઓના વિસ્તરણ માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. આરોગ્યની વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સહાય રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અત્યારસુધીમાં 1.15 કરોડ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન

આ સાથે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 31,021 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે 5,76,344 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. મિશન ઇન્દ્રધનુષના અત્યારસુધીના તમામ તબક્કાઓ હેઠળ રાજ્યમાં 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 

ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિ આવી

સમગ્ર વિશ્વમાં એઆઈ સહિતની ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિ આવી રહી છે ત્યારે ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29' જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ધોલેરામાં ડેટા સેન્ટર શરૂ કરવા 2.5 ટકા વધારાની મૂડી સહાય આપવામાં આવશે, તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં સપૂર્ણપણે મુક્તિ આપવાની જોગવાઇ આ નીતિમાં કરવામાં આવી છે.  આ નીતિ અંતર્ગત 7.5 ગીગા વોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ બનાવવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને 10 ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવ કંપનીઓ દ્વારા મળ્યા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે. હવે આ નવી નીતિના કારણે આગામી સમયમાં આ વિસ્તારો હાઇ-ટેક ડેટા સેન્ટરોના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (જીસીસી)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક રોકાણકારો માટે હવે ગુજરાત ડેટા સેન્ટર સ્થાપવા માટે દેશનું સૌથી પસંદગીનું રાજ્ય બની રહ્યું છે. 

ગુજરાતે દેશના અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતે દેશના અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. રાજ્યમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને મંજૂરી મળી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટ વ્યવસાયિક ધોરણે કાર્યરત થઈ ચૂક્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું ₹4.08 લાખ કરોડનું બજેટ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. 

રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 19 મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, શિપબિલ્ડિંગ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપતી નીતિઓના કારણે ગુજરાતે ઉભરતા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી છે.

વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક વિકાસને રાજ્યના વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંઝનું આયોજન કરવામાં આવ્યું. આ ચાર સમિટમાં કુલ રૂ. 17.4 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. પ્રાદેશિક સ્તરે રોકાણ અને રોજગારીની તકો વધારવા માટે ગુજરાતે કરેલી આ પહેલના પરિણામે રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ મજબૂતી આપી છે.

આ સાથે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ પસાર કરવામાં આવ્યું છે, જે સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. સાથે જ નાગરિક સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા અનેક વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ના માધ્યમથી સરકારી સેવાઓને પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને અનુરૂપ ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શહેરી વિકાસને ધ્યાનમાં લઈ શહેરી પરિવહન, સુવિધાઓ અને નાગરિક સેવાઓમાં સુધારા સાથે શહેરોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે. યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણલકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા કાર્યક્રમોની યજમાની ગુજરાતે કરી છે અને હવે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ ગુજરાત તૈયાર છે.