Tue Oct 06 2026

Logo

મામા-ભાણીના પ્રેમને બયાન કરતું 47 વર્ષ જૂનું એ ગીત આજે પણ ભીંજવી દે છે આંખો, તમે પણ ક્યારેક તો તમારા મામા માટે ગાયુ જ હશે...

2026-09-29 20:35:27
Author: Darshana Visaria
મામા-ભાણીના પ્રેમને બયાન કરતું 47 વર્ષ જૂનું એ ગીત આજે પણ ભીંજવી દે છે આંખો, તમે પણ ક્યારેક તો તમારા મામા માટે ગાયુ જ હશે...

આપણી ભારતીય સંસ્કૃતિમાં મામા અને ભાણજા-ભાણીનો સંબંધ અત્યંત પવિત્ર અને લાગણીસભર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે 'મામા' શબ્દમાં બે વખત 'મા' આવે છે, જેના કારણે આ સંબંધમાં માતા જેવો જ વાત્સલ્ય અને અનહદ પ્રેમ સમાયેલો હોય છે. હિન્દી ફિલ્મોએ પણ આ અનોખા પારિવારિક સંબંધને પોતાના સુરીલા ગીતો દ્વારા સુંદર રીતે રજૂ કર્યો છે, ચાલો જોઈએ કઈ ફિલ્મનું છે આ ગીત અને શું ખાસ હતું એમાં....

આવો જ એક યાદગાર કિસ્સો છે વર્ષ 1979માં રિલીઝ થયેલી ફિલ્મ 'કર્તવ્ય' (Kartavya)નો, જેમાં બોલીવૂડના 'હી-મેન' ધર્મેન્દ્ર પર ફિલ્માવવામાં આવેલું ગીત 'ચંદા મામા સે પ્યારે મેરે મામા' આજે 47 વર્ષ પછી પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીતને હિન્દી સિનેમાના મહાન ગાયક મોહમ્મદ રફી અને ઉષા મંગેશકરે પોતાનો સૂરીલો કંઠ આપ્યો હતો. જ્યારે તેનું સંગીત દિગ્ગજ સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે કમ્પોઝ કર્યું હતું.

વાત કરીએ ગીતના શબ્દો કોણે લખ્યા છે એની તો આ ગીતના હૃદયસ્પર્શી શબ્દો ગીતકાર વર્મા મલિક અને કાફિલ અઝરે લખ્યા હતા. ગીતમાં મામા પોતાની નાની ભાણીને લાડ લડાવવાની સાથે તેના ભવિષ્યના લગ્ન અને વિદાયની કલ્પના કરીને અત્યંત ભાવુક થઈ જાય છે. આ ગીત સિવાય આ ફિલ્મમાં લતા મંગેશકર અને આશા ભોસલેના પણ સુપરહિટ ગીતો હતા, પરંતુ મામા-ભાણીના પ્રેમને રજૂ કરતા આ ગીતે દર્શકોના દિલ જીતી લીધા હતા અને તે પારિવારિક સમારોહમાં એક સદાબહાર ટ્રેક બની ગયું હતું.

ગીતના ભાવુક બોલ જે આંખો ભીંજવી દે છે

ગીતમાં ધર્મેન્દ્ર પોતાની નાની ભાણી સાથે મસ્તી કરતા કરતા ગાય છે અને આ પંક્તિઓ એક મામાના હૃદયમાં પોતાની ભાણી પ્રત્યે રહેલા નિઃસ્વાર્થ સ્નેહ અને તેની વિદાયના દર્દને આબેહૂબ વ્યક્ત કરે છે. આ ગીતના બોલ છે-
ચંદા મામા સે પ્યારા મેરા મામા, મેરી આંખોં કા તારા મેરા મામા...

એક દિન દૂલ્હા રાજા કે સંગ ચાર કહાર બુલાઉં, અપને હાથોં સે હી મૈં ડોલી મેં તુઝે બિઠાઉં...
ઉસ દિન મુઝકો છોડ કે તૂ ઐસી દુનિયા મેં જાયે, 
હર એક લડકી જહાં સે વાપસ લૌટ કે ફિર ના આયે, રોતા રહેગા બિચારા તેરા મામા...

શું હતી ફિલ્મ 'કર્તવ્ય'ની સ્ટોરી?

વર્ષ 1979માં આવેલી એક્શન-ડ્રામા ફિલ્મ 'કર્તવ્ય'માં ધર્મેન્દ્રએ એક પ્રામાણિક ફોરેસ્ટ ઓફિસર (વિજય)ની ભૂમિકા ભજવી હતી. વિજયની પોસ્ટિંગ એ જ જંગલમાં થાય છે જ્યાં અગાઉ તેના પિતાની હત્યા કરવામાં આવી હતી. જંગલમાં ચંદનનું લાકડું, હાથીદાંત અને પ્રાણીઓની ચામડીની ગેરકાયદે તસ્કરી ચાલતી હોય છે. વિજય પોતાના જીવના જોખમે તસ્કરો સામે બાથ ભીડીને પોતાની ફરજ નિભાવે છે. આ ગંભીર એક્શન વચ્ચે આ ગીતે ફિલ્મમાં ભાવનાત્મક રંગ પૂર્યો હતો.