મુંબઈ: સાંતાક્રુઝના વાકોલા પરિસરમાંથી 26 વર્ષની મહિલા ગુમ થતાં પરિવારજનોએ મહિલાના અપહરણ અને હત્યાની શંકા વ્યક્ત કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.
આ મામલે મહિલાના રિક્ષા ડ્રાઈવર પતિએ વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને બે પત્ની છે, જેમાંથી બીજી પત્ની ગુમ થઈ હતી. ફરિયાદ અનુસાર ગયા સપ્તાહે રાતે જમવા ફરિયાદી ઘરે આવ્યો ત્યારે પહેલી પત્ની સૂતી હતી અને બીજી પત્ની ઘરમાં હાજર નહોતી. તેનો મોબાઈલ ફોન પર સ્વિચ ઑફ્ફ આવતો હતો.
ફરિયાદીની પહેલી પત્નીના નાના ભાઈએ ફરિયાદીને કૉલ કર્યો હતો અને તેણે પિતા સાથે મળીને બીજી પત્નીની હત્યા કરી મૃતદેહ માહિમ નજીક ફેંક્યો હોવાની જાણ કરી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીનો સસરા અને સાળો બન્નેની કોઈ ભાળ મળતી નથી. પોલીસ તેમને શોધી રહી છે. બીજી બાજુ, મહિલાને શોધી કાઢવા પોલીસે અત્યાર સુધીમાં અનેક જણની પૂછપરછ કરી છે. (પીટીઆઈ)